ગાંધીધામ, તા. 15 : કચ્છમાં રેલવે કનેક્ટિવિટી
વધારવા માટે રેલવે દ્વારા વ્યાપક પગલાં લેવાય છે. તાજેતરમાં જ ગાંધીધામ-આદિપુર વચ્ચે
ચાર લાઈનના સેક્શનનું કામ પૂર્ણ કરાયું અને તેને કમિશનિંગ પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં
કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી પશ્ચિમ કચ્છની રેલવે લાઈન પાથરવાના પ્રોજેક્ટને
હાઈ પ્રાયોરિટી તરીકે કાર્યરત કરી તે પ્રમાણે
સંબંધીત કાર્યવાહી કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ અપાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ
કચ્છમાં ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ 81 કિલોમીટરના હાજીપીર લુણા, વાયોર લખપત સહિતના રેલવે સુવિધાથી વંચિત વિસ્તારમાં
રેલવે ટ્રેક પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી હતી. આ પ્રકલ્પ માટે
2500 કરોડની માતબર રકમની ફાળવણી
કરવામાં આવી છે. રેલવે દ્વારા વિલંબથી પણ ભુજ-નલિયા રેલવેલાઈનનું ગેજ પરિવર્તનનું કામ
પૂર્ણ કરાયું. હવે પશ્ચિમ કચ્છને જ વધુ રેલવે કનેક્ટિવિટીનો મંજૂર પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ
કરવા કામગીરી હાથ ધરી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી સમક્ષ રેલવેના ઉચ્ચ અધિકારીઓ
દ્વારા આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જમીન
સંપાદન સહિતની કામગીરી સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
આ પ્રોજેક્ટને હાઈ પ્રાયોરિટીમાં લેવા માટેની ખાતરી આપી હતી અને જમીન સંપાદન સહિતની કામગીરી ઝડપભેર
આટોપવા માટે સંબંધીતોને સૂચના આપી હોવાનું
જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાંધીધામ ચેમ્બર ખાતે સ્ટેક હોલ્ડર સાથે ડીઆરએમ દ્વારા યોજાયેલા
સંવાદ સત્રમાં પણ આ નવી રેલવે લાઈન ઝડપેભેર પૂરી કરવા માટેની માંગ ઊઠી હતી અને અધિકારી
દ્વારા પણ ઝડપી કામગીરીની ખાતરી ઉદ્યોગકારોને
આપવામાં આવી હતી. દરમ્યાન હાલ આ સ્થળે સર્વે સહિતની કામગીરી ચાલતી હોવાનું
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.