મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 15 : નખત્રાણા
વિસ્તાર ખેતી માટે બારડોલી તરીકે ઓળખાય છે. ખાસ કરીને મગફળી માટે પોકેટ પર ખર્ચ અને
ખારા પાણીએ વાવેતર ઓછું થયું છે. પશ્ચિમ કચ્છમાં વર્ષે બે વખત મગફળીનું વાવેતર થાય
છે ચોમાસુ અને ઉનાળુ, જેમાં ચોમાસુ
મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. આમ તો નેત્રા, બાડિયારા,
લક્ષ્મીપર રસલિયા, બાડિયામાં મોટા પ્રમાણમાં ભૂતડી
પોંખાય. ગત વર્ષે નેત્રા પંથકમાં ચોમાસુ મગફળીનું પુષ્કળ વાવેતર થયું હતું,
પરંતુ પાક પરિપક્વ થવાના સમયે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન
સહન કરવું પડયું હતું. શરૂઆત સારી રહી, પાક હર્યોભર્યો રહ્યો,
પણ પાછલા દિવસોમાં વરસાદ વામણો પૂરવાર થયો. ચાલુ વર્ષે ખેડૂતોમાં ઉનાળુ
મગફળીના વાવેતર બાબતે સંકોચ જોવા મળી રહ્યો છે. આમ તો જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં
પંથકમાં ઉનાળુ મગફળીનું વાવેતર શરૂ થઈ ગયું છે. ખાસ કરીને પિયત સુવિધાવાળા વિસ્તારોમાં
ઉનાળુ મગફળીનું વાવેતર થતું હોય છે. જો કે, હાલ ઠંડાં વાતાવરણને
કારણે અત્યાર સુધી માત્ર અંદાજે 20થી 25 ટકા જેટલું
જ વાવેતર પૂર્ણ થયું છે. મોટાભાગના ખેડૂત ફેબ્રુઆરી મહિનામાં વાવેતર કરશે તેવી શક્યતા
છે. કૃષિ નિષ્ણાતો અનુસાર ઉનાળુ મગફળીનું વાવેતર 23થી 25 ડિગ્રી સેલ્સિયસ
તાપમાનમાં કરવું અનુકૂળ ગણાય છે, જેથી
ઉગાવો સારો મળે. કચ્છમિત્રને માહિતી આપતાં બાડિયારા ગામના ખેડૂત મામદભાઈ સંગારે જણાવ્યું
હતું કે, મગફળીના વાવેતરની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ ઠંડીનાં કારણે વાવેતર મોડું થઈ રહ્યું છે. એકબાજુ ઠંડી અને બીજી બાજુ
જરૂરી ઝાકળ ન પડતાં વાતાવરણ કોરું બન્યું છે. જેના કારણે જે ખેડૂતોએ પહેલેથી વાવેતર
કર્યું છે તેમાં ઉગાડવામાં મોડું થઈ રહ્યું છે. સામાન્ય રીતે 12થી 14 દિવસમાં મગફળી ઊગી નીકળે છે,
પરંતુ હાલ ઠંડીને કારણે આ પ્રક્રિયા 14થી 17 દિવસ સુધી ખેંચાઈ રહી છે. ખેડૂતોએ જણાવ્યું કે, મોડું વાવેતર કરવાથી ચોમાસાં દરમિયાન મગફળી
ઉખેડવા અને કાઢવા સમયે વરસાદથી નુકસાન ભોગવવાની શક્યતા રહે છે, એવું ખેડૂતોનું કહેવું છે.