ભુજ, તા. 15 : અબડાસાના કનકપર ગામે ગૌ સંવર્ધન
માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આ ગામની 200 એકર ગૌચર જમીનને ફેન્સિંગ વડે સુરક્ષિત કરવામાં આવી છે, જેથી 400 જેટલી ગાયો નિર્વિધ્ને ચરિયાણ
કરી શકે. કચ્છ જિલ્લામાં આ પ્રકારની વ્યવસ્થા સંભવિત પ્રથમ વખત ઊભી કરાઈ હોવાનું મનાય
છે. આ અંતરિયાળ ગામમાં મુખ્યત્વે પાટીદાર સમાજની વસ્તી છે, જ્યાં દરેક ઘરમાં ગાયોનું પાલન-પોષણ થાય છે.
ગામની ઉત્તર-પૂર્વી દિશાએ આવેલા સીમ વિસ્તારમાં સરકાર મારફતે આ 200 એકર જમીન ગૌચર તરીકે નીમ કરાવાઈ
છે. ગાયોના સુરક્ષિત ચરિયાણ માટે કાંટાળી વાડને બદલે ખાસ પ્રકારના તારની ફેન્સિંગ કરવામાં
આવી છે. ગામના ખેડૂત વાડીલાલ પટેલે જણાવ્યું કે,
અગાઉ ગામ પાસે એક પણ એકર ગૌચર જમીન ન હતી. સરકારી રજૂઆત બાદ આ જમીન ગાય
સંવર્ધન માટે ફાળવવામાં આવી, હવે ગાયો આ વિશાળ જમીનમાં કુદરતી
રીતે ઉગેલું ઘાસ ખાય છે. આ ગાયોના કારણે અહીંના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી શેરડી અને
સક્કરટેટી જેવા પાકો મેળવે છે. ઉપરાંત, શેરડીમાંથી દેશી ગોળ અને
ગાયનાં દૂધમાંથી દેશી ઘીનું ઉત્પાદન કરી વેચાણ પણ કરે છે.