કોડાય (તા. માંડવી), તા. 3 : માંડવી ખાતે
ભારતીય કિસાન સંઘ-માંડવી દ્વારા રાસાયણિક ખાતર યુરિયા ડીએપી સમયસર મળવા બાબતે તથા સૂર્યોદય
યોજના અથવા સમયસર વીજ કનેક્શન ન મળવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ
હતી. હાલમાં તાલુકામાં સારા વરસાદ બાદ ચોમાસુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરાયું
છે. રાસાયણિક ખાતર વિતરક મંડળીઓમાં યુરિયા, ડીએપીનો જથ્થો ક્યાંય ઉપલબ્ધ નથી. ઊભો પાક નિષ્ફળ ન જાય તે માટે તાત્કાલિક
ખાતરનો જથ્થો પૂરો પાડવા માંગ કરાઇ હતી, અન્યથા ઉગ્ર આંદોલનના
માર્ગે જવાની ફરજ પડશે તેવું ખેડૂતો દ્વારા જણાવાયું હતું. મામલતદાર કચેરીએ દરેક હોદ્દેદારો,
ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મામલતદાર ત્રિકમભાઇ દેસાઇને આવેદનપત્ર
પાઠવાયું હતું તેમજ સૂર્યોદય યોજના અથવા સમયસર વીજ કનેક્શન ન મળવા અંગે અનેક વખત લેખિત
રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને તેનું કારણ ઘોરાડ પક્ષી હોવાનું જણાવાયું
હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે તથા પીજીવીસીએલ કાર્યપાલકને પણ આ અંગે રજૂઆત કરવામાં
આવી હોવાનું ખેડૂત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. કિસાન સંઘ તા. પ્ર. રતિલાલભાઇ રાબડિયા,
વસંતભાઇ સેંઘાણી, પરસોત્તમભાઇ પોકાર, કિશોર કેરાઇ, પ્રભુભાઇ દડગા, ભવાનજીભાઇ વાડિયા, સામજીભાઇ રાજાણી તથા
આજુબાજુના ખેડૂતો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.