• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

ભુજની ગટર સમસ્યા મુદ્દે સુધરાઈ સત્તાધીશોની કલેક્ટર સાથે બેઠક

ભુજ, તા. 2 : શહેર બહારના વિસ્તારોમાં અમૃત યોજના-1 હેઠળ પાણી પુરવઠા હસ્તક ચાલતા ગટરનાં કામો અધૂરાં હોવાથી સર્જાતી સમસ્યા મુદ્દે આજે ભુજ સધુરાઈના નગરઅધ્યક્ષા સહિતના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી, જેમાં કલેક્ટરે પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક ઈજનેર સાથે ટેલિફોનિક વાત કરી નગરપાલિકા સાથે સંકલન કરી આ સમસ્યાનાં નિરાકરણ બાબતે સૂચના આપી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના ઉમાનગર, સર્જન કાસા, નરનારાયણનગર, કારીતાસ, રઘુવંશીનગર, ભાનુશાલીનગર, સહયોગનગર જેવા વિસ્તારોમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમૃત યોજના હેઠળ ચાલતાં કામોમાં કયાંક અધુરાશો હોવાથી તેમજ પમ્પિંગ સ્ટેશનો કાર્યરત ન હોવાથી ગટરની સમસ્યા વિકરાળ બની છે, જેના કારણે આ સોસાયટીના રહેવાસીઓ નગરપાલિકાને દોષી માને છે, તેથી આ કામો ઝડપથી પૂર્ણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, દંડક રાજેશ ગોર, નગરસેવક મનુભા જાડેજા સહિતની ટીમે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને રૂબરૂ મળી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં શ્રી પટેલે પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક ઈજનેરને ટેલિફોનિક વાત કરી સત્વરે એજન્સીઓને ચૂકવણાં કરવા અને કાર્યરત પમ્પિંગ સ્ટેશનો નગરપાલિકાને સુપરત ન થયા હોય તો નિયમિત પમ્પિંગ કરવા સૂચના આપી હતી તેમજ નગરપાલિકા સાથે સંકલન કરવા પણ જણાવ્યું હતું. 

Panchang

dd