રાપર, તા. 2 : રાપર તાલુકાના ભીમાસર અને આડેસરમાં વિવિધ 10 કરોડના ખર્ચે થનારા કામોનું
ખાતમુહૂર્ત કરાયું હતું. આ પૈકી ત્યજાયેલા
રૉડ ની બિસ્માર પરિસ્થિતિના મજબૂતીકરણ સહિતના કામોનો આરંભ કરાયો હતો. આડેસર હાઈવેથી ગામનો રોડ, આડેસર અને ભીમાસરનાં ચેકડેમો અને તળાવોને ઊંડા
કરવાનું, આડેસર અને ભીમાસરમાં શાળાનાં ખંડોનું ખાતમુહૂર્ત વગેરે
10.27 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત
અને લોકાર્પણ રાપરનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રારંભે આડેસરમાં રસ્તાનું અને શાળાનાં ખંડોનું ખાતમુહૂર્ત કર્યા બાદ વીર ભગતસિંહ
ચોક ખાતે ધારાસભ્ય અને મહેમાનોનાં હસ્તે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું
હતું. શાળાની દીકરીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું તો સરપંચ પ્રતિનિધિ અજયપાલાસિંહ જાડેજાએ
2004 માં આડેસર બાયપાસ ફોરલેન માર્ગ
ચાલુ થતાં આડેસર બસ સ્ટેશનથી હાઈવેને જોડતો જૂનો માર્ગ વીસ વર્ષ સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ
સ્ટેટ ઓથોરિટીને હસ્તાંતરણ નહીં કરતાં આ રસ્તો બે દાયકા સુધી આડેસર અને ત્યાંથી પસાર
થતાં વાહનો માટે પીડાદાયક રહ્યો હતો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પાસે રજૂઆત કરવામાં
આવતાં તેમણે આ રોડનું માત્ર કોકડું જ ન ઉકેલતાં આડેસર બસ સ્ટેશનથી હાઈવેને જોડતો આ
દોઢ કિ.મીનો એપ્રોચ રોડ 3 કરોડનાં ખર્ચે
મંજૂર થયા છે. આડેસરની બે દાયકા જૂની માંગ પૂરી કરી થઈ હોવાનું જણાવી આભારની લાગણી
વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ વિરેન્દ્રસિંહ
જાડેજાની સક્રિયતાથી ભીમાસર અને આડેસર જેવી હાઈસ્કૂલોમાં ધોરણ 11 અને 12 ની મંજૂરી, માખેલ,વરણુ, ટગા, વિજાપર જેવા અનેક ગામોને નર્મદાનાં નીર,
અનેક રોડ રસ્તાઓ, કમાન્ડ એરિયા સિવાયનાં બેતાલીસ
ગામોને નર્મદાનાં નીર અપાવવા જેવાં કાર્યોની સિધ્ધિને ગણાવી ઘણાંબધાં ગામોની પીવાનાં
પાણીની સમસ્યાનો અંત આવ્યો હોવાનું કહ્યું હતું. સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન કિશોર
મહેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સંચાલન ડોલરરાય ગોરે અને આભારવિધિ ભગાભાઈ
આહીરે કરી હતી. બાદમાં ભીમાસર ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યનાં હસ્તે પ્રથમ વિકાસ
કામોનું ખાતમુહૂર્ત, શાળાનાં ઓરડાનું ભૂમિપૂજન અને વૃક્ષારોપણથી
પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરપંચ પ્રતિનિધિ અને રાપર તાલુકા સરપંચ સંગઠનનાં પ્રમુખ
રામજીભાઈ સુરાભાઈ સોલંકીએ ઉપસ્થિતોને શબ્દોથી આવકાર્યા હતાં. પ્રાસંગિક ઉદબોધન કરતાં
વિરેન્દ્રાસિંહે ધારાસભ્ય બનતાં જ ભીમાસરની વર્ષો જૂની માંગ ધોરણ અગીયાર અને બારની
મંજૂરી અપાવી તો સામાજિક રીતે જોડાયેલા પલાંસવા ભીમાસર માર્ગને 31 કરોડનાં ખર્ચે અને પાંચ કરોડનાં
ખર્ચે રાપર આડેસર માર્ગને ભીમાસર પાસે દશ મીટર પહોળો બનાવવા માટે મંજૂરી આપવા અને ડેમ
તળાવનાં કામો માટે દોઢ કરોડ ફાળવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તો ખાસ જરૂરી કુમાર
અને કન્યાશાળા માટે 20 નવા ઓરડા
બનાવવા રુપિયા ચાર કરોડ મંજૂર કરવાથી આવતાં વર્ષે નવી જગ્યાએ શાળા પ્રવેશોત્સવનું વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકોનું
સ્વપ્ન સાકાર થયું હોવાનું ઉમેર્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં ભીમાસરનાં વતની બળવંતભાઈ
ઠક્કરે પચાસ વર્ષોથી જે કામો ભીમાસરમાં નથી થયાં તે કામો થયાં હોવાનું જણાવી ભીમાસરનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું
કહ્યું હતું. રોડ-રસ્તા, સફાઈ, કન્યા કેળવણી
અને જળસંચયની કામગીરી કરવા બદલ ધારાસભ્ય અને
સરપંચને બિરદાવ્યા હતા. ગેડીનાં ગ્રામજનોએ અને સરપંચ દ્વારા ધારાસભ્યનું વિશેષ સન્માન કરાયું હતું. સંચાલન કાનજીભાઈ પરમારે અને
આભારવિધિ જયદીપસિંહ જાડેજાએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વણવીરભાઈ
સોલંકી, સદસ્યો રાજુભા જાડેજા, મહાવીરભાઈ
જોગુ, ભચુભાઈ વૈદ, તાલુકા પંચાયતનાં પુર્વ
પ્રમુખ હમીરજી સોઢા, પુર્વ ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ,તાલુકા પંચાયતનાં પ્રમુખ પ્રતિનિધિ કૌશિક બગડા, શાસક
પક્ષના નેતા મોહનભાઈ બારડ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,
મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, રાડાનાં પુર્વ
ચેરમેન કેશુભા વાઘેલા, ભાજપનાં ઉપપ્રમુખ કમલસિંહ સોઢા,
માણાબા સરપંચ અકબરભાઈ રાઉમા, કુંભાભાઈ શેલોત,
રતનભાઈ ગોહિલ, કાનજીભાઈ પટેલ, હમીરપર સરપંચ ભરતભાઈ પરમાર, વિનુભાઈ થાનકી, દશરથસિંહ જાડેજા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો, આજુબાજુનાં
ગામોનાં સરપંચો, ઉપસરપંચો, સભ્યો અને બહોળી
સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.