• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

ભુજના શિક્ષિકા શ્રેષ્ઠ બાળ ગુરુ એવોર્ડથી સન્માનીત

ભુજ, તા. 2 : અહીંના શિક્ષિકાને તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ગીજુભાઇ બધેકા શ્રેષ્ઠ બાળ ગુરુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં કૃપાબેન નાકરને આ એવોર્ડ એનાયત કરાયો હતો. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણમાં નવીન પદ્ધતિ તથા બાળવાર્તાથી શિક્ષણકાર્ય કરાવનાર બાળગુરુ એવોર્ડ માટે એક શિક્ષકની એક બાલ વાટિકાની પસંદગી રાજ્યમાંથી કરવામાં આવે છે. વર્ષ 2025ના વર્ષ માટે આ એવોર્ડ હેતુ પસંદગીનો કળશ કચ્છ જિલ્લા પર ઢોળવામાં આવ્યો છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી સ્થાપના દિને ગીજુભાઇ બધેકા એવોર્ડ વિતરણ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા હતા. અધિક મુખ્યસચિવ જયંતી રવિ, કુલપતિ ટી. એસ. જોશી, ડો. નિલેશ પંડયા-કુલસચિવ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ડો. હર્ષદ પટેલ-કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ હાજર રહ્યા હતા. રાજ્યપાલ દ્વારા ગર્ભ સંસ્કારથી પીએચ.ડી. સુધી પહોંચતા બાળકોના માનસિક વિકાસની શ્રેણી શું છે તેના પર વિશેષ પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતના મહાન ઋષિઓના વિચારોને ફળીભૂત કરવા માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. દીક્ષાંત મહોત્સવમાં પીએચ.ડી. થયેલા અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ બાળગુરુ એવોર્ડ માટે ભુજ તાલુકાના શિક્ષિકા કૃપા રસિકલાલ નાકરની પસંદગી કરાઇ હતી. નિત્ય નવા પ્રયોગો અને બાળવાર્તા તથા પપેટ દ્વારા બાળકોને શિક્ષણ આપતા કૃપાબેનને મોરારિ બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ, રમેશભાઇ ઓઝા દ્વારા સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ, કચ્છ શક્તિ એવોર્ડ, સિસ્ટર નિવેદિતા રાજ્યકક્ષા એવોર્ડ, માતૃભાષા અભિયાન અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષક એવોર્ડ, અચલા એજ્યુકેશન અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ઇનોવેટિવ ટીચરનો એવોર્ડ મળી ચૂક્યો છે. સિદ્ધિ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષક સંઘ તથા તાલુકા શિક્ષક સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સંચાલન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. ભૈરવી દીક્ષિત અને ડો. સંજય પટેલે કર્યું હતું. આભારવિધિ કુલસચિવ ડો. નિલેશભાઇ પંડયાએ કરી હતી. 

Panchang

dd