કેરા (તા. ભુજ), તા. 1 : વિવિધ જિલ્લામાં
સુનિયોજિત સફળ કામગીરી કરનાર યુવા કલેક્ટર આનંદ પટેલને શુભેચ્છા-સન્માનનો દોર સધાયો
હોય તેમ જિલ્લાના અનેક ક્ષેત્રએ આવકાર આપ્યો છે. તાજેતરમાં શ્રેષ્ઠ કલેક્ટર તરીકે મુખ્યમંત્રીએ
સન્માન કર્યું હતું. સરકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં નોંધપાત્ર
કાર્ય કરનાર કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલનું કચ્છી લેવા પટેલ સમાજે સન્માન કર્યું
હતું. શાળા છોડી ગયેલી કન્યાઓને પુન: પ્રવેશ અપાવવા શ્રી પટેલે દરેક જિલ્લામાં પ્રયાસ
કર્યા હતા. કુદરતી-માનવસર્જિત આપદાઓમાં પણ વિશેષ પુરુષાર્થ, સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી જિલ્લાના વિકાસ
માટે પ્રયત્નશીલ કલેક્ટરને બિરદાવતાં લેઉવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા,
મંત્રી કરશન મેવાણી, રવજી વેલજી કેરાઇ,
રામજીભાઇ સેંઘાણી, વસંત પટેલે પ્રશસ્તિપત્રથી સન્માનિત
કર્યા હતા. જિલ્લા બાર એસોસિયેશન, વિવિધ ક્ષેત્રના સંગઠનો,
ગામોના આગેવાનો, સંસ્થાઓ શુભેચ્છાઓ આપવા પહોંચી
હતી. રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની અંદર રહેલી `શ્રેષ્ઠતા'ને સન્માનવાના પ્રયાસને કચ્છની સંસ્થાઓએ વધાવી
હતી. અગાઉ પણ મહેન્દ્ર પટેલ જેવા સમાહર્તાઓના સન્માન વિવિધ કામગીરી બાદ થયા હતા. લેવા
પટેલ સમાજની ત્રણેય પાંખ વતી કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.