હેતલ
પટેલ દ્વારા : ભુજ, તા. 2 : દોસ્તી
એ એવો સંબંધ છે, જે આપણે પોતે બનાવીએ છીએ, પસંદગીના બંધનથી ગૂંથાયેલો અને જેમાં કોઈ બંધન નથી, ફક્ત સ્વતંત્રતા અને પ્રેમની સુગંધ છે. આ એક એવું બંધન છે, જે દુનિયાના દરેક સંબંધથી અલગ,
પણ એટલું જ ખાસ છે. દોસ્તી એ માત્ર બે મિત્ર
વચ્ચેનો સંબંધ નથી, પણ એ એક ભાવ છે-બિનશરતી પ્રેમ, સ્વીકાર, સાથ, નિખાલસતા, સ્વતંત્રતા, વિશ્વાસ, સમજણ
અને પરસ્પર મીઠી મોજ. આ દોસ્તીના તત્ત્વો જ્યારે કોઈ પણ સંબંધમાં ઉમેરાય છે, ત્યારે એ સંબંધ બંધનકર્તા લાગણીમાંથી મુક્ત થઈ જાય છે. એ કોઈ પણ પ્રકારના
સમાધાનવાળો સંબંધ ન રહેતાં એ બની રહે છે સહેલાઈથી જીવાતો સંબંધ. આ દોસ્તી તત્ત્વ એ
સંબંધોનું ટોનિક છે-જે ઊંડાણ આપે છે,
તાજગી આપે છે. એકબીજાની આંખોમાં જોઈને સમજવાની
કળા, એકબીજાના મૌનને વાંચવાની ક્ષમતા-એ દોસ્તી લાવે છે. આજે મિત્રતા દિવસે
આવા જ મૈત્રીસભર સંબંધોને સન્માન આપીએ-જ્યાં દરેક સંબંધમાં દોસ્તી એ મજબૂત આધાર છે.
જ્યાં મિત્રતાના સ્પર્શથી-એ સૌથી સુંદર સંબંધ બની જાય છે. - માતા-પુત્રી સખીભાવ : મા અને દીકરી વચ્ચેનો સંબંધ પહેલેથી જ વિશેષ
રહ્યો છે, પરંતુ જ્યારે તેમાં દોસ્તીની મીઠાશ ઉમેરી શકાય ત્યારે તે જીવનની સૌથી
સુંદર ભેટ બની જાય છે. નિરાલીબેન તથા તેમની 11મા ધોરણમાં ભણતી પુત્રી આંશી પારેખ આવી જ એક જુગલ મિત્ર જોડી છે. નિરાલીબેન
કહે છે કે, તેમને દીકરીમાં સખી મળી છે. તેઓ બંને એકબીજા
સાથે પૂરી દિનચર્યા શેર કરે છે. એવી ઘણી બાબતો જે કદાચ અમુક મર્યાદાને કારણે કદાચ મિત્રને
પણ ન કહી શકાતી હોય તેવી સંવેદનશીલ વાતો પણ દીકરી આંશી સાથે તે નિ:સંકોચપણે શેર કરી
શકે છે. એ કહે છે કે, માતા-પિતા સાથેનાં બોન્ડિંગમાં જો ફ્રેન્ડશિપ
તત્ત્વ ઉમેરાઈ જાય, તો જનરેશન ગેપને લીધે સર્જાતી સમસ્યાઓ દૂર
થઈ જશે. - પિતા-પુત્રની યારી : ત્રણ પેઢીથી વકીલાત સાથે સંકળાયેલા ધારાશાત્રી
મલ્હાર બૂચ જણાવે છે કે, જેવું પિતા દર્શકભાઈનું તેમના પિતા કિશોરચંદ્ર
બૂચ સાથે બોન્ડિંગ હતું, તેવું જ સરસ બોન્ડિંગ તેમનું પણ છે. તેમના
અને તેમના પિતા વચ્ચે રહેલી મિત્રતા વિશે તેઓ જણાવે છે કે, એકબીજાની જીવનશૈલી અને સ્વાસ્થ્ય કઈ રીતે ઊંચું લાવવું તે માટે સતત પ્રયત્નશીલ
રહીએ છીએ, એ જ તેમના મતે તેમની વચ્ચે રહેલી દોસ્તીની પરિભાષા છે. એક જ લીટીમાં સરળ
તેમજ ઊંડી મિત્રતાને વ્યાખ્યાયિત કરતાં મલ્હારભાઈ કહે છે કે, વિચારભેદ થાય, મત અલગ થાય, પરંતુ એકબીજાની વાતનું માન રાખવું, નથી
આવડતું તે શીખવું, નવું જાણવું અને આગળ વધતા રહેવું એ તેમના
મૈત્રીભર્યા સંબંધની મિઠાશનું કારણ છે. પિતાના પગલે પુત્ર હંમેશાં જ્ઞાતિ, લાયબ્રેરી, રાજકારણ સંબંધીત કાર્યોમાં પણ સાથે જ સંકળાયેલા
છે. કાર્યક્ષેત્ર હોય કે નીજી જીવન પ્રસંગો-બંને એક સાથે જ જોવા મળતા આ એડવોકેટ પિતા-પુત્ર
જિંદગીના સફરમાં એકબીજાના સાચા સાથીદાર-દોસ્ત બની અને ચલતી કા નામ ગાડી.. એક જ વાહનમાં
જોવા મળે છે. - સંબંધ છે નણંદ અને ભાભીનો પણ વ્યવહાર છે
બેસ્ટ ફ્રેન્ડનો : આવી
જ દોસ્તીની જુગલજોડી છે એડ. કોમલ ઠક્કર અને ડો. રુચિતા સોમૈયા. તેમની વચ્ચે કોઈ ઔપચારિકતા
નથી, કોઈ સંકોચ નથી, ફક્ત નિખાલસ મૈત્રી જોવા મળે છે. સ્મિતસભર
ચહેરા, બહેનો જેવો જ અણસાર પણ ધરાવતી આ જોડી એકબીજાનો સૌમ્ય સથવારો છે. 15 વર્ષ જેટલા સમયથી માત્ર સંબંધ નહીં, પરંતુ દોસ્તીનો જીવંત અજવાસ છે. બંને વ્યસ્ત અને વર્કિંગ વુમન હોવા છતાં
ઘરના તમામ દાયિત્વ સંપથી નિભાવે છે. કોમલ અને રુચિતાબેન કહે છે કે, ખરીદી હોય કે રસોઈ કામ હોય કે વાકિંગ, સાફ-સફાઈ
કામ હોય કે તહેવારોની તૈયારી... અમને એકબીજાની સંગત, અમારા
જીવનના દરેક સોપાનમાં લઈ આવે છે. - ઘરકામ કરતાં બહેન સાથે ગૃહિણીની મૈત્રી : ઘરના છાંયામાં ઘણા સંબંધો ઊગે છે. કેટલાક
સંબંધો જન્મથી મળે છે, તો કેટલાક સંબંધો સમયના સથવારે ઘડાતા જાય
છે, પણ જ્યારે સંબંધોમાં મૈત્રી સમાઈ જાય, ત્યારે
એ સંબંધ અદ્વિતીય બની જાય છે. આવું જ એક ઉદાહરણ છે : હીરલબેન અને મીનાબેન-અને તેમની
ત્રણ પેઢી વચ્ચેના સંગાથનું. પાછલાં 40 વર્ષથી મીનાબેનના પરિવારમાં સાસુ સોનબાઈ ઘરકામ તેમજ બાળકોની સારસંભાળ
લેતાં હતાં. હવે વહુ હિરલબેન દ્વારા ઘરકામની સેવા થઈ રહી છે. મીનાબેનના પરિવારમાં ત્રણ
પેઢીના ઉછેરમાં તેમજ ઘરકામમાં એક જ પરિવારની મહિલાઓએ સેવા આપી છે, પણ એ સેવા ફક્ત ફરજ રહી નથી-એ બની છે સંબંધોની દોસ્તીથી ભરેલી ઝાંખી. બંનેના સાસુ વચ્ચે હતો, એ જ ભાવ આજે હિરલબેન અને મીનાબેન વચ્ચે પણ જોવા મળે છે - જ્યાં એક સ્ત્રી
બીજી સ્ત્રીને કામકાજવાળી નહીં, પણ સાથી તરીકે માને છે અને એ દોસ્તી હવે
આગળ વધીને ત્રીજી પેઢી સુધી પહોંચી છે. હીરલબેનના પુત્ર-પુત્રી અને મીનાબેનની પુત્રવધૂ
તેમજ પૌત્રી વચ્ચે પણ મૈત્રીભાવ.. મીનાબેનની દોહિત્રી કિઆરા સાથે હિરલબેનના પુત્ર-પુત્રી
રમે છે, ટીવી જુએ છે, લેસન કરે છે-બધું દોસ્તીભર્યા આનંદથી કરે
છે. આ બધું જોઈને લાગે કે દિલની ઉદારતામાં મૈત્રી વસે ત્યાં ફરજ નહીં, પરસ્પર સમજ અને પ્રેમ હોય. - સાસુ-વહુની સહિયારી યારી : મિત્તલબેન સલાટની આંખો ચમકે છે જ્યારે તેઓ પોતાની સાસુ રંજનબેન વિશે બોલે
છે. તેઓ કહે છે : `મારા
પતિ શહેર બહાર રહેતા, પણ એમની ગેરહાજરી ક્યારેય ખળી નહીં. કેમ
કે, એમની મા-રંજનબેને મને માથી પણ વધારે પ્રેમ આપ્યો છે, દોસ્ત જેવો સાથ આપ્યો છે.'
એમના ઘરનું વાતાવરણ એવું છે જ્યાં `તુતુ-મૈંમૈં' જેવી પરિસ્થિતિ જ ઊભી થતી નથી. કારણ કે, બંનેના સંબંધનો આધાર છે-મૈત્રી,
સમજૂતી અને સમર્પણ. મિત્તલબેન પ્રિ-સ્કૂલમાં
નોકરી કરતા ત્યારે ઘેર પહોંચે તે પહેલાં સાસુ રંજનબેન રસોઈ પણ તૈયાર રાખતા. હવે બાળકોની
સંભાળમાં પણ બંને વચ્ચે સરસ સમતોલ વહેંચણી છે.
એક બાળક સંભાળે, તો બીજી ઘરની જવાબદારી સંભાળે - એવું સહકારયુક્ત
સહઅસ્તિત્વ. જો ઘરમાં કોઈ વાત થાય તો નિંદા કરવાને બદલે પોતે એકબીજા સાથે વાત કરે અને
ઉકેલ લાવે. ઘરની બહાર એ સંબંધની નાજુક વાતો કદી જાય નહીં - કારણ કે, બંને વચ્ચે `િવશ્વાસ
અને મૌન મૈત્રી' વસે છે. - દોસ્તીથી દંપતી બનવાની સફરમાં પણ દોસ્તી
હજી કાયમ : સંબંધોમાં જ્યારે મિત્રતાની ભીની મધુરતા
હોય છે, ત્યારે સમય, વ્યસ્તતા કે કોઈ તફાવત પણ કોઈ બાધા બની
શકતા નથી. એવી જ એક અનોખી સંબંધયાત્રા છે - ડો. સુરભિ વેગડ અને ડો. તુષાર વેગડની, જ્યાં દોસ્તી દાંપત્યમાં રૂપાંતરિત તો થઈ છે, પણ દોસ્તીનો ભાવ સમય સાથે વધુ ઊંડો અને મજબૂત બન્યો છે. સુરભિબેન કહે
છે કે, `બંનેના અમુક સમાન શોખ પણ હતા અને જે ભિન્ન હતા, તેમાં જે તેમને ગમતું એ મેં શીખ્યું, જે મને
ગમતું એ તેમણે શીખ્યું.' હાલ પણ એકબીજાની પસંદને માન- પ્રોત્સાહન
આપીને તુષારભાઈ તબલાં શીખે છે અને સુરભિબેન કથ્થક નૃત્યનો અભ્યાસ પણ કરે છે. બંને તબીબી
ક્ષેત્રમાં વ્યસ્ત હોવા છતાં ડિનર બાદ સમય કાઢીને રાત્રે વાકિંગ માટે જાય છે, જ્યાં સાથે વાતો કરે છે,
હસે છે, દિનચર્યા
વહેંચે છે અને દાંપત્યમાં દોસ્તીના તાંતણા જીવંત રાખે છે. જ્યારે દાંપત્યમાં દોસ્તી
વસે છે, ત્યારે એ સંબંધમાં કદી ઓટ આવતી નથી.