નવી દિલ્હી, તા. 7 : દેશની સામાન્ય
જનતાને રાહત આપશે, તેવા જીએસટી
સુધારાની શરૂઆત રાતોરાત નથી થઈ. વીતેલા વર્ષે ડિસેમ્બરમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
નાણામંત્રી નિર્મલા સીતારામનને ફોન કર્યો હતો તેવો ખુલાસો ખુદ કરતાં નાણામંત્રીએ ખાતરી
આપી હતી કે, જીએસટીનો લાભ લોકોને મળે તે માટે ધ્યાન રખાશે. જેસલમેરમાં
થયેલી જીએસટી પરિષદની બેઠક પૂર્વે વડાપ્રધાને નાણામંત્રીને ફોન કરીને કહ્યું હતું કે,
આપ એકવાર જીએસટીનું જોઈ લ્યો. આ વાતનો ખુલાસો ખુદ નાણામંત્રી સીતારામને
કર્યો હતો. મોદીએ સીતારામનને ફોન કરીને જીએસટીને વ્યવસાયો માટે સરળ બનાવવા સાથે સ્લેબમાં
ઘટાડો કરવા કહ્યું હતું. ત્યારબાદ આ વિષય પર કામ ગતિભેર આગળ વધ્યું હતું. ત્યારબાદ
બજેટ દરમ્યાન જ્યારે અમે આવકવેરા ઉપાયો પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાને મને યાદ અપાવ્યું હતું કે, આપ જીએસટી
પર કામ કરી રહ્યા છો ને, તેવું સીતારામને કહ્યું હતું. પ્રધાનોનું
જૂથ દોઢ વર્ષથી કામ કરી રહ્યું હતું. હું એ દરેકની પ્રશંસા કરું છું કે, તેમણે અહેવાલ તૈયાર કરવા માટે ઘણી મહેનત કરી, તેવું તેમણે
ઉમેર્યું હતું. વડાપ્રધાને મને કહ્યું પછી મેં નિર્ણય લીધો કે, હવે જીએસટીના તમામ પાસાની સઘન સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે, તેવું નાણામંત્રીએ કહ્યું હતું. પહેલી ફેબ્રુઆરીથી 15 મે સુધી અમે સતત જીએસટી સ્લેબ, ઉદ્યોગો માટે સરળ બનાવવા અંગે અભ્યાસ કર્યો,
તેવું તેમણે જણાવ્યું હતું.