નવી દિલ્હી, તા. 2 : લોકસભામાં
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે પણ સળંગ બીજા દિવસે ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું
હતું. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, ભારત દેશની ઈલેક્શન સિસ્ટમ (ચૂંટણી પ્રણાલી) મરી ચૂકી છે. ગઈકાલે શુક્રવારે
પણ ચૂંટણીપંચ પર મતોની ચોરી કરાવવાના આરોપ સાથે રાહુલે જણાવ્યું હતું કે, અમારી પાસે પરમાણુ બોમ્બ છે, જે ફૂટશે તો ચૂંટણીપંચ બચશે
નહીં. રાહુલના આ દાવાનો વળતો જવાબ આપતાં દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શનિવારે જણાવ્યું
હતું કે, જો તમારી પાસે પરમાણુ બોમ્બ છે જ, તો તેને ફોડી નાખો. સાથે એટલો ખ્યાલ રાખજો કે, આપ પોતે
સુરક્ષિત રહો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઘણો ઓછો બહુમત છે. જો 10-15 બેઠક પર ગરબડ ન થઈ હોત, તો મોદી આજે દેશના વડાપ્રધાન ન હોત,
તેવા આકરા આરોપો કોંગ્રેસ નેતાએ કર્યા હતા. મને તો 2014થી જ ચૂંટણી પ્રણાલી પર સંદેહ
હતો. ભાજપે આટલો મોટો વિજય મેળવવો આશ્ચર્યજનક હતું. હું પુરાવા વિના કંઈ કહી શકતો નહોતો, પરંતુ કોઈ જાતની શંકા વિના કહું છું કે,
અમારી પાસે પુરાવા છે, તેવો દાવો રાહુલ ગાંધીએ
કર્યો હતો. છેલ્લા 10 દિવસમાં શનિવારે
ત્રીજીવાર ચૂંટણીપંચ પર પ્રહાર કરતાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ
અને ગુજરાતમાં અમારા પક્ષને એક પણ બેઠક મળી નહોતી. લોકસભા ચૂંટણીમાં ત્રણ-ત્રણ રાજ્યમાં
કોંગ્રસને એક પણ બેઠક ન મળે, તે મારા માટે ભારે આશ્ચર્યની વાત
હતી. જ્યારે પણ હું કે અમારા પક્ષમાંથી કોઈ નેતા બોલતા હતા ત્યારે લોકો કહેતા હતા કે,
પુરાવા કયાં છે? પરંતુ આજે અમારી પાસે નક્કર પુરાવા
છે, તેવું રાહુલે જણાવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે,
ચૂંટણીપંચ મતદારયાદીની ડિજિટલ નકલ ઉપલબ્ધ નથી કરાવતું. એ દસ્તાવેજોને
સ્કેન નથી કરી શકતા. એક લોકસભા ક્ષેત્રમાં અમે જાતે મતદારયાદીની તપાસ કરી અને જાણવા
મળ્યું હતું કે, 6.5 લાખમાંથી
દોઢ લાખ મતદાર બોગસ હતા, તેવો દાવો
કોંગ્રેસ સાંસદે કર્યો હતો.