• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

પ્રજ્વલ રેવન્નાને જનમટીપની સજા

મૈસૂર, તા. 2 : બેંગ્લોરની વિશેષ અદાલતે શનિવારે જનતાદળ-એસમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને દૂષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ન્યાયમૂર્તિને સજા ઘટાડવાની અપીલ કરતાં આજે  પણ પ્રજ્વલ રડી પડયો હતો. ધારાસભ્યો, સાંસદોની વિશેષ અદાલતે જનમટીપની સજાની સાથે દંડ પણ કર્યો હતો. ન્યાયમૂર્તિ ગજાનન ભટે પ્રજ્વલને 11.50 લાખનો દંડ ફટકાર્યો હતો, જેમાંથી 11.25 લાખ રૂપિયા પીડિતાને અપાશે. દોષી ઠરાવ્યાના બીજા જ દિવસે સજાનું એલાન કરી દેવાયું છે. હાસન જિલ્લાના હોલેનરસીપુરામાં રેવન્ના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય મહિલાએ વીતેલાં વર્ષે એપ્રિલમાં પ્રજ્વલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ પૂર્વ સાંસદ પર 2021માં અનેકવાર દુષ્કર્મ આચર્યા પછી કોઇને કહેશે તો વીડિયો લીક કરવાની ધમકી આપી હોવાનો આરોપ મૂક્યો હતો. અદાલતે 18 જુલાઇમાં કેસની સુનાવણી પૂરી કરી હતી. પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પૌત્ર પર દુષ્કર્મન કુલ ચાર કેસ થયા હતા. આ ચારમાંથી આ પહેલો કેસ છે, જેમાં પ્રજ્વલને શુક્રવારે દોષી ઠરાવાયો હતો. દોષી ઠરતાં જ કોર્ટમાંથી નીકળ્યા પછી રેવન્ના રડી પડયો હતો. વીતેલાં વર્ષે સોશિયલ મીડિયા પર પ્રજ્વલ રેવન્નાના બે હજારથી વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. પ્રજ્વલ દેશ છોડીને 35 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ પરત ફર્યો ત્યારે એરપોર્ટ પર જ તેની ધરપકડ થઇ હતી. ચૂંટણીના આગલા દિવસે જ પ્રજ્વલ 27 એપ્રિલના દેશ છોડીને જર્મની ચાલ્યો ગયો હતો. પૂર્વ વડાપ્રધાન અને દાદા દેવેગૌડાએ 23મી મેના પ્રજ્વલને ચેતવણી આપી હતી કે, ભારત પાછો આવી જઈને તપાસનો સામનો કરે. આ મામલાની તપાસમાં અમારા પરિવાર તરફથી કોઈ જાતની દખલગીરી નહીં કરાય. 

Panchang

dd