વોશિંગ્ટન/મોસ્કો, તા.2 : દુનિયાની
બે મહાસત્તા અમેરિકા અને રશિયા ફરી આમને સામને આવી ગયા છે અને પરમાણુ હુમલાની ગર્ભિત
ધમકીથી માહોલ તંગ બન્યો છે. રશિયા નજીક બે પરમાણુ સબમરીન તૈનાત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યા બાદ રશિયાએ પણ હુંકાર ભર્યો છે કે આવવા દ્યો, અમારી પાસે ઘણી પરમાણુ સબમરીનો છે ! રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ સ્પષ્ટ કર્યું નથી કે
અમેરિકાની બે પરમાણુ સબમરીન રશિયા નજીક કયાં તૈનાત કરવામાં આવશે પરંતુ તેમણે એક પ્રકારે
રશિયાને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે. આ પહેલા મેદવેદેવે એકસ પોસ્ટથી કહ્યંy હતું કે અમે ઈઝરાયલ કે ઈરાન નથી. ટ્રમ્પે
આપેલું અલ્ટીમેટમ યુદ્ધની ધમકી માનવામાં આવશે તેમણે ટ્રમ્પને યાદ અપાવ્યું હતું કે
રશિયા પાસે સોવિયેત સંઘના સમયથી પરમાણુ હુમલાની ડેડ હેન્ડ ક્ષમતા છે. ટ્રમ્પે ભારત
પર રપ ટકા ટેરિફ લાદ્યો ત્યારે ભારત સાથે રશિયાની ઈકોનોમીને ડેડ ઈકોનોમી ગણાવી હતી.
જેના જવાબમાં રશિયાએ ડેડ હેન્ડની યાદ અપાવી છે. રશિયાની સંસદના વરિષ્ઠ સદસ્ય વિકટર
વોડોલાત્સ્કીએ કહ્યંy કે વિશ્વ
મહાસાગરોમાં રશિયન પરમાણુ સબમરીનોની સંખ્યા અમેરિકાથી ઘણી વધારે છે અને અમેરિકાની સબમરીનો
પહેલેથી જ રુસી કંટ્રોલ રુમના રડારમાં છે. અમારે વધુ કંઈ કહેવાની જરૂર નથી. ટ્રમ્પે બે પરમાણુ સબમરીનની તૈનાતીનો આદેશ આપ્યા
બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને હાઈપરસોનિક મિસાઈલ ઓરેશનિકને બેલારુસમાં તૈનાતીનો આદેશ
આપ્યો છે. અમેરિકા અને રશિયા વચ્ચે આ રીતે શક્તિ પ્રદર્શનથી દુનિયામાં ફરી એકવાર પરમાણુ
યુદ્ધનો ખતરો મંડરાયો છે. કહેવાય છે કે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના
ભડકાઉ નિવેદનોથી ટ્રમ્પ ભડકી ઉઠયા છે અને ચેતવણી આપી કે શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી
છે નહીં તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે. અમેરિકા અને રશિયા વચ્ચે તણખાંથી સૌથી વધુ
ભય યુરોપમાં છવાયો છે. રશિયા વર્ષના અંત સુધીમાં બેલારુસમાં હાઈપરસોનિક મિસાઈલ તૈનાત
કરી દે તેવી ભીતિ છે જે પશ્ચિમી દેશો ખાસ કરીને નાટોને મૂક સંદેશો છે.