• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મુંદરા લૂંટ પ્રયાસનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

ભુજ, તા. 15 : નવમીએ મુંદરામાં રુદ્રાક્ષ જ્વેલર્સમાં પિસ્તોલના નાળચે દુકાનના પિતા-પુત્રને ડરાવી લૂંટના પ્રયાસના ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધારને ઝડપી લેતા બનાવની સિલસિલવાર વિગતો સામે આવી છે. આ અંગે એલસીબીના પીઆઈ અશોક મકવાણાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, નવમીના લૂંટેલાં ઘરેણાનો થેલો લઈને નાસી રહેલા પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિત (રહે. મુરૈના, મધ્યપ્રદેશ)ને વેપારી પિતા-પુત્રએ પ્રતિકાર કરી ઝડપી પાડયો હતો. આ વખતે એક આરોપીએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ઝડપાયેલા પંકજના 10 દિવસના રિમાન્ડ દરમ્યાન પૂછતાછમાં ભુજના જીઆઈડીસીમાં રહેતા મૂળ રાજસ્થાન ઘોલપુરના ગીતમસિંહ હિરાસિંહ ઠાકુર (ઉ.વ. 42)ની મુખ્ય ભૂમિકા બહાર આવી હતી. આ ગીતમસિંહ છેલ્લા વીસેક વર્ષથી ભુજમાં રહે છે અને કેટરિંગના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. એલસીબીએ ગીતમસિંહની ધરપકડ કરી પૂછતાછ કરતા તમામ વિગતો સામે આવી હતી. કોરોનાકાળ દરમ્યાન રાજસ્થાનમાં પારિવારિક ડખામાં હત્યાના પ્રયાસ અને મહાવ્યથામાં ગીતમસિંહ ધોલપુરની જેલમાં કેદ હતો. જ્યાં જેલમાં પંકજ શર્મા સાથે તેની મૈત્રી થઈ. આ પંકજ ઉપર પણ મધ્યપ્રદેશ સહિત બીજા રાજ્યોમાં સશત્ર લૂંટના અનેક ગુના નોંધાયેલા છે. ગીતમસિંહે પંકજને ભુજ બોલાવી લૂંટનો મનસૂબો જાહેર કરી પ્લાન ઘડયો હતો. આ આયોજનને લઈને પંકજનો સાગરિત સતીષ સિકલવાર ત્રણેક માસ અગાઉ ગીતમસિંહને મળવા આવ્યો હતો. આ દરમ્યાન ગીતમસિંહે  અને પંકજે રેકી કરી મુંદરાના રુદ્રાક્ષ જ્વેલર્સને નિશાન બનાવવા નક્કી કર્યું હતું. પંકજે સાગરિતો સતીષ તેમજ અન્ય બે મોન્ટુ પટેલ અને શિવો ઉર્ફે બચ્ચાને રુદ્રાક્ષ જ્વેલર્સની લૂંટમાં સામેલ કર્યા હતા અને પંકજે બે દેશી તમંચા તથા પિસ્તોલની વ્યવસ્થા કરી હતી. પંકજ અને તેના ત્રણ સાગરિત લૂંટના આગલા દિવસે ભુજ આવી ગયા હતા અને પાંચે સાથે મળી લૂંટની યોજના ઘડી હતી. મુંદરા જવા માટે આરોપીઓએ માધાપર જૂનાવાસની સનરાઈઝ સિટી સોસાયટીમાંથી બે બાઈક ડિલક્સ  જીજે-12-એચબી -7158 તથા ટીવીએસ રાઈડર નં. જીજે-12-એચબી-2698ની ચોરી કરી ચારે બાઈકથી મુંદરા જતા હતા, ત્યારે પાંચે બળદિયા ખાતે એકત્ર થયા હતા, જેમાં પ્લાન મુજબ ગીતમસિંહ રીક્ષા નં. જીજે-12-બીયુ-7997વાળી લઈને ભોરારા પાસે ઊભો રહેવાનો હતો અને ચારે લૂંટ આચરી ભોરારાથી રિક્ષામાં બેસી નાસી જવાના હતા, પરંતુ લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતા પંકજ ઝડપાઈ ગયો હતો અને બાકીના પોતાની રીતે નાસી છૂટયા હતા અને ગીતમસિંહે સાગરિતોની રાહ જોઈને કંટાળી પરત ભુજ આવી ગયો હતો. લૂંટના પ્રયાસમાં વપરાયેલા બે દેશી તમંચા અને પિસ્તોલ નાસેલા આરોપીઓ પાસે છે અને તેઓને પણ ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં હોવાનું શ્રી મકવાણાએ જણાવ્યું હતું. મુંદરામાં ધોળા દિવસે ગોળીબાર સાથેની આ લૂંટના પ્રયાસની ગંભીરતાને લઈને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, મુંદરા વિભાગના મદદનીશ એસપી ગૌતમ વિવેકાનંદનના માર્ગદર્શનમાં મુંદરા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ વિવિધ ટીમ બનાવી હતી. મુંદરાના પીઆઈ એસ.એમ. રાણા, એસઓજી પીઆઈ એ.ડી. પરમાર, એલસીબીના પીઆઈ એ.એમ. મકવાણા, પી.એસ.આઈ એમ.એચ. સિણોલ તથા પોલીસ સ્ટાફે દોડધામ કરી ગંભીર ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. 

Panchang

dd