ગાંધીધામ, તા. 15 : તાલુકાના મીઠીરોહર નજીક એક
હોટેલમાં પોષડેડા વેચતા બે શખ્સને એસ.ઓ.જી.એ પકડી પાડી તેમની પાસેથી રૂા. 17,895નો જથ્થો જપ્ત કર્યો હતો. જો
કે, આ માદક પદાર્થ ક્યાંથી આવ્યો હતો તે બહાર આવ્યું
નથી. મીઠીરોહરની સીમના ગાંધીધામથી ભચાઉ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક અજવા પાર્કિંગની
બાજુમાં ક્રિષ્ના પાર્કિંગ, શ્રી ક્રિષ્ના હોટેલમાં પોલીસે છાપો
માર્યો હતો. આ હોટેલમાં આવતા-જતા વાહનચાલકોને જમવાની સાથે માદક પદાર્થ પીરસાતો હતો.
અહીં પૂર્વ બાતમીના આધારે આવેલી પોલીસે હોટેલમાંથી મૂળ બાડમેર રાજસ્થાનના બાલારામ ભુરારામ
ચૌધરી, ચીમારામ નારણારામ ચૌધરી નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા
હતા. આ બંનેને સાથે રાખી હોટેલની તપાસ કરાઇ હતી. દરમ્યાન, હોટેલના
કાઉન્ટરના નીચેના ખાનામાંથી પ્લાસ્ટિકના મેણિયામાંથી અન્ય પાંચ થેલી મળી હતી,
જેમાં પાઉડર નજરે પડયો હતો. આ પાઉડર પોષડેડા હોવાનું આ શખ્સોએ જણાવ્યું
હતું. દરમ્યાન, એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથક્કરણ
કરાતાં આ પાઉડર પોષડેડા જ હોવાનું બહાર આવ્યું હતું. આ પાંચ થેલીમાંથી રૂા. 17,895નો એક કિલો અને 193 ગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો.
પકડાયેલા બંને શખ્સ પાસેથી મોબાઇલ વગેરે પણ હસ્તગત કરાયા હતા. આ શખ્સોને માદક પદાર્થ
કોણ આપી ગયું અથવા પોતે ક્યાંથી લીધા હતા તે સહિતના પ્રશ્નો અનુત્તર રહ્યા હતા, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.