ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં માગો ત્યાં દારૂ
મળે છે. ગાંધીધામ, આદિપુર,
અંજાર સામખિયાળી, ભચાઉ, રાપર,
ગાગોદરમાં દેશી, અંગ્રેજીના પોઇન્ટ, હાટડા ફુલસ્વિંગમાં છે. અમુક રાજકીય લોકોએ જનતા રેઇડ પણ કરી છે તેમ છતાં આ
બદી બંધ થતી નથી તેવામાં એસએમસીની ટીમે કરોડોનો દારૂ પકડી પાડતાં પલળેલા પોલીસકર્મીઓના
પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પૂર્વ કચ્છના ગાંધીધામના નવી-જૂની સુંદરપુરી વિસ્તારમાં
ઠેર-ઠેર દેશી-અંગ્રેજીના પોઇન્ટ ધમધમી રહ્યા છે. જ્યાં લગભગ તમામ જગ્યાએ ઓનલાઇન સેવા
ચાલુ થઇ ગઇ છે. તેમજ ગ્રાહકોને બેસવાની તથા ગ્રાહકો વધુ સમય બેસી રહે તે માટે પાસવર્ડ
વગરના વાઇફાઇ બુટલેગરોએ ગ્રાહકો માટે ગોઠવી રાખ્યા છે. જ્યાં ગ્રાહકો આવી વાઇફાઇથી
મોબાઇલ જોડી સોશિયલ મીડિયામાં મસ્ત થઇ અને માદક પદાર્થોનું સેવન કરતા થયા છે તેમજ કાર્ગો
વિસ્તારમાં ઠેર ઠેર, ખોડિયારનગરમાં પાણીના પ્લાન્ટોમાં,
આદિપુરમાં મુંદરા સર્કલ, 7વાળી, મણિનગર,
જીઆઇડીસી, અંજારમાં પાલિકા સામે, દબડા વિસ્તાર, વરસામેડી, મેઘપર
બોરીચી, કુંભારડી, વીડી વગેરે જગ્યાએ,
ભચાઉ, સામખિયાળી, ગાગોદર,
રાપર વગેરે તમામ જગ્યાએ દેશી અને અંગ્રેજીના પોઇન્ટ ધમધમી રહ્યા છે.
અને લોકોને પાયમાલ કરનારી આ બદીઓ કોની છત્રછાયાથી ચાલુ છે તે સૌ કોઇ જાણે છે. આ નશો
કરીને અનેક લોકોએ અકાળે પોતાના જીવ ખોયા છે. બીજી બાજુ આવી સેવા આપતા બુટલેગરો અદ્યતન
થતાં જાય છે. લાખોમાં પ્રસાદી આપનારા શખ્સો બિન્ધાસ્ત, બેખોફ
આ બદી પીરસી રહ્યા છે. સામખિયાળી, ગાંધીધામમેં રાજકીય કાર્યર્તાઓએ
જનતા રેઇડ કરી છતાં આ બદીઓ બંધ થતી નથી, તેવામાં રાજ્યની એસએમસીની
ટીમે સફળ કાર્યવાહી કરતાં પલળેલા પોલીસ કર્મીઓમાં સોપો પડી ગયો હતો હવે કોની જવાબદારી
બેસાડાશે અને કોની વિકેટ પડશે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળે છે. લોકોને પાયમાલ
કરનારીઆ બદી સદંતર બંધ થવી જોઇએ તેવી માંગ મહિલાઓ કરી રહી છે.