• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

પતિએ ભરણપોષણ ભરવામાં કસૂર કરતાં બે કેસમાં કેદની સજા

ભુજ, તા. 13 : પતિએ ભરણપોષણની રકમ ભરવામાં કસૂર કરતાં બે કેસમાં બે પતિને  કેદની સજા ફટકારતો ચુકાદો કોર્ટે આપ્યો છે. કોકલિયા (તા. માંડવી)ના રિન્કુબા જગદીશાસિંહ જાડેજાએ કનકાવટી (તા. અબડાસા) મધ્યે રહેતા તેમના પતિ જગદીશાસિંહ ઉર્ફે જટુભા ભમ્મરાસિંહ જાડેજા વિરુદ્ધ ભરણપોષણ મેળવવા સંદર્ભે અરજી દાખલ કરી હતી, જે  અનુસંધાને કોર્ટ દ્વારા અરજદારને ભરણપોષણની રકમ પેટે માસિક રૂપિયા 2000 ચૂકવવાનો હુકમ કરવામાં આવતાં અરજદાર રિન્કુબા દ્વારા તેમના પતિ જગદીશાસિંહ વિરુદ્ધ અલગ- અલગ તામીલ અરજીઓ દાખલ કરવામાં આવી, પરંતુ અરજદારના પતિ દ્વારા ભરણપોષણની રકમ ભરવામાં કસૂર કરવામાં આવતાં ફેમિલી કોર્ટ મુંદરા દ્વારા જગદીશાસિંહ ઉર્ફે જટુભાને અલગ-અલગ તામીલ અરજીઓ સંદર્ભે એક હજાર, 60 દિવસની કેદની સજા કરવામાં આવી છે.

આ ઉપરાંત ભોજાય (તા. માંડવી)ના રમીલાબેન કરણાસિંહ ચૂડાસમાએ સુખપર (તા. ભુજ) મધ્યે રહેતા તેમના પતિ કરણાસિંહ દેવુભા ચૂડાસમા વિરુદ્ધ ભરણપોષણ મેળવવા સંદર્ભે અરજી દાખલ કરતાં કોર્ટ દ્વારા અરજદારને ભરણપોષણની રકમ પેટે માસિક રૂપિયા 4000 ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, આ અનુસંધાને અરજદાર રમીલાબેન દ્વારા તેમના પતિ કરણસિંહ વિરુદ્ધ તામીલ અરજી દાખલ કરવામાં આવી, પરંતુ અરજદારના પતિ દ્વારા ભરણપોષણની રકમ ભરવામાં કસૂર કરવામાં આવતાં ફેમિલી કોર્ટ મુંદરા દ્વારા કરણાસિંહને કુલ 300 દિવસની કેદની સજા કરવામાં આવી છે. આ બંને કેસમાં અરજદારના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર, વિનય પી. મોતા, કે. એસ. સેડા હાજર રહ્યા હતા.

આપઘાતના કેસમાં નિર્દોષ છુટકારો

બિદડા તા. માંડવી મધ્યે નીતાબેન ઉર્ફે હેતલબેન નીલેશભાઈ રામજિયાણીએ તા. 1/6/2024ના પોતાની જ વાડીમાં આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લટકી આપઘાત કરતાં મૃત્યુ થતાં તેમના પિતા નાનજીભાઈ ખેતશીએ મૃતક નીતાના પતિ નીલેશ, સસરા નરશી મનજી તથા સાસુ સાવિત્રીબેન વિરુદ્ધ માંડવી પોલીસમાં તેઓના ત્રાસથી આપઘાત કરી જીવનનો અંત આણ્યાની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે તપાસ હાથ ધરી પતિ, સાસુ તથા સસરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ભુજની સેશન્સ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આઠમા અધિક સેશન્સ જજે ગુણદોષ ઉપર સેશન્સ કેસ ચલાવી આરોપી વિરુદ્ધ પોલીસે મુકેલ તહોમત પુરવાર કરવામાં સરકાર પક્ષ નિષ્ફળ નીવડતાં તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે. આરોપીના વકીલ એસ. ટી. પટેલે તથા તેમની સાથે એડવોકેટ હિરલબેન એસ. પટેલ, મુકેશ એન. બોખાણી, ક્રિષ્ના કે. હરસોરા, મંજીતકૌર જાગીરાસિંગ, જીનલ શાહ હાજર રહ્યા હતા.

કુંદરોડી જમીન મુદ્દે અપીલ નામંજૂર

મુંદરા તાલુકાના કુંદરોડી ગામની જમીન મામલે નોંધ સામે ચાલેલ અપીલ કેસમાં નાયબ કલેક્ટર મુંદરા દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. એપેલન્ટ માલાજી વેલાજી ચૌહાણના વારસદારો નાનબાઇ ભાણજી ચૌહાણે પોતાના કાકા અખેરાજ માલાજી ચૌહાણ સામે કુંદરોડીની જમીન બાબતે અપીલ દાખલ કરી હતી. સામાવાળા તરફે મુંદરાના કરશન કે. ગઢવી હાજર થતાં કેશ ચાલતાં આધાર-પુરાવાઓ રજૂ કરી અંતિમ દલીલ કરી ઠરાવ પર રાખવામાં આવ્યો અને તે કેસમાં નાયબ કલેક્ટરે એપેલન્ટની અપીલ નામંજૂર કરી જમીન બાબતે લેવાયેલો નિર્ણય કાયમ રાખવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સામાવાળા અખેરાજની તરફેણમાં ચુકાદો  ફરમાવ્યો છે. અખેરાજના વકીલ તરીકે કરસન કે. ગઢવી હાજર રહ્યા હતા.

લખપતના રાવલેશ્વર હત્યા કેસમાં આરોપી નિર્દોષ

સાડા પાંચ વર્ષ પૂર્વે લખપતના રાવલેશ્વરમાં થયેલી હત્યામાં ભુજની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.  આ કેસની ટૂંક વિગતો મુજબ 19મી માર્ચ, 2020ના ફરિયાદીને રાવલેશ્વરમાં રહેતા જુમાભાઈ જતનો ફોન આવ્યો, જેમાં ફરિયાદીના ભાઈ અયુબ તથા આરોપી સમીર ઉર્ફે નસીબ હાજી નકુમ વચ્ચે કોલસાની ભઠ્ઠી ફોરવા બાબતે બોલાચાલી થઈ હતી અને આરોપીએ ફરિયાદીના ભાઈને બાવળનું લાકડું માથામાં ફટકાર્યું હતું, આથી ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીના ભાઈને દયાપરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.  આ બાદ તેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં ભુજની સેશન્સ કોર્ટે પુરાવા તપાસી આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિપુલ. ડી. કનૈયા અને સઈદબીન એ. આરબ હાજર રહ્યા હતા.

Panchang

dd