ગાંધીધામ, તા. 7 : ભચાઉમાં દુધઈ-ભુજવાળા રાજ્યધોરી
માર્ગ પાસે આવેલી કિંમતી સરકારી જમીન ઉપર બિનઅધિકૃત રીતે હોટેલ, ઓરડી બનાવી લઈ દબાણ કરાતાં બે શખ્સ વિરુદ્ધ
પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉમાં આવેલી દુધઈ-ભુજ માર્ગ
નજીક વનવિભાગની નર્સરીની જમીન પાસે આવેલી સરકારી એવી કિંમતી જમીનમાં બાબુ ગેલા રૂપા
દાફડા તથા વીરજી છગન દાફડાએ બિનઅધિકૃત દબાણ કરી
પોતાના આર્થિક ફાયદા માટે ત્યાં હોટેલ અને ઓરડીઓ બનાવી હતી. આ અંગે અગાઉ લેન્ડ
ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી જે અંગે ભચાઉની કોર્ટમાં દીવાની દાવો ચાલુ થયો હતો. પરંતુ
ન્યાયાલયે આરોપીઓની મનાઈ હુકમની અરજી નામંજૂર કરી હતી. દરમ્યાન ખાનજી હીરા રાઠોડે આ
અંગે જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવા અરજી કરી હતી જેમાં બંને
પક્ષોને સાંભળી જિલ્લા સમાહર્તાએ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો, જેના પગલે પોલીસે આ બંને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.