ભુજ/ગાંધીધામ, તા. 2 : આજે રાત્રે
મિરજાપરની પોલીસચોકીથી આગળ માંડવી જતાં માર્ગે સુખપરના વળાંક નજીક ટ્રેઈલરમાં બાઈક
અથડાતાં 25 વર્ષીય અલ્પેશભાઈ જગદીશભાઈ
પરમાર (રહે. નારાણપર, મૂળ ઘારી,
જિ. અમરેલી)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી બાજુ
અંજાર-ભુજ ધોરીમાર્ગ ઉપર ટ્રકો વચ્ચે થયેલા
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચાલક નેનારામ ભેરારામે સારવાર દરમ્યાન આંખો
મીંચી લીધી હતી. ભચાઉ તાલુકાનાં છાડવાડામાં ટેક્ટર તળે આવી જવાથી રાજવીર મુકેશભાઈ રતનભાઈ
અજનાર (ઉ.વ. 4)નું મૃત્યુ
થયું હતું. મિરજાપર પાસે આજે રાત્રે 9 વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતની જી. કે. જનરલ હોસ્પિટલની
પોલીસચોકીમાં મૃતક અલ્પેશભાઈના મિત્ર મનદીપસિંહ ગોહિલે જાહેર કરેલી વિગતો મુજબ અલ્પેશભાઈ
તેમની સાથે ઈન્ડસઈન્ડ બેન્કમાં નોકરી કરતા હતા અને આજે પોતાની બાઈક નં. જી.જે. 16 એએલ 9991 લઈને પોતાના ઘરે નારાણપર જઈ
રહ્યા હતા, ત્યારે મિરજાપર ધોરીમાર્ગ
પર ટ્રેઈલર સાથે અથડાતાં તેમને સારવાર અર્થે અહીં લાવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર
કર્યા હતા. સાપેડા બાયપાસ ઉપર કિષ્ના હોટલ
પાસે ગત તા. 30/7ના બે વાગ્યાના
અરસામાં આ અકમસ્માત થયો હતો. ટ્રક નં. જીજે-12-બીઝેડ-9665વાળાના ચાલક
નેનારામે પૂરઝડપે વાહન ચલાવી ગાયને બચાવવા
જતાં રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક નં. જીજે-02-વાય-7745ને પાછળથી
ટક્કર મારી હતી. ગંભીર ઈજાગસ્ત રાજસ્થાનના
વતની ચાલકને સ્થાનિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પોતાના વતન લઈ જવાયા હતા. અહીં
ચાલુ સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અસ્કમાતનો વધુ એક બનાવ ગત તા. 1/8ના બપોરે 12 વાગ્યાના
અરસામાં હિરજીભાઈ નારણભાઈ રાવરિયા (પટેલ)નાં
ખેતરમાં બન્યો હતો. ટેક્ટર પાછળ લેતી વખતે
રાજવીર ટેક્ટરના વિખેડામાંથી નીચે પડીને ટાયર નીચે આવી ગયો હતો. સારવાર કારગત નીવડે તે પહેલાં
તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના પિતા મુકેશભાઈ રતનભાઈ અજનારે ટ્રેક્ટરચાલક હિરજીભાઈ નારણભાઈ રાવરિયા (પટેલ) વિરુદ્ધ
વિધિવત રીતે ફરિયાદ નોંધાવી હતી.