મુંબઈ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : મધ્ય
રેલવેના ભાંડુપ અને કાંજુરમાર્ગ સ્ટેશન વચ્ચે ભીડના કારણે શુક્રવારે સવારે ટ્રેનમાંથી
પડી જવાથી ડોમ્બિવલીના 29 વર્ષના યુવાન
મહેક અરવિંદ ઠક્કરને ગંભીર ઇજાઓ સાથે મુલુંડની અગ્રવાલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ત્યારબાદ સાયન હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ગઈ રાતે 12 વાગ્યા આસપાસ
તેનું અવસાન થયું હતું. કચ્છ અબડાસાના વરાડિયા ગામના વતની અને હાલ ડોમ્બિવલી-પૂર્વમાં
રામનગર શિવ મંદિર રોડ પર માધવાશ્રમ નગર નંબર-1 ખાતે ચોથા માળે રહેતા અરવિંદભાઈ ઠક્કરના પુત્ર મહેક ઠક્કરે શુક્રવારે
સવારે કાંદિવલી જવા માટે ડોમ્બિવલી સ્ટેશનથી ટ્રેન પકડી હતી. જો કે, ભાંડુપ અને કાંજુરમાર્ગ વચ્ચે મહેક ટ્રેનમાંથી
પડી ગયો હતો. તેને પ્રથમ મુલુંડની અગ્રવાલ હોસ્પિટલમાં અને ત્યારબાદ સાયન હોસ્પિટલમાં
દાખલ કરાયો હતો. પરિવારના નિકટજન પ્રકાશભાઈ ગણાત્રાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું
કે, મહેક ડોમ્બિવલીમાં સ્ટુડિયોમાં કામ કરતો હતો. કાંદિવલીમાં
સવારના કામ પર જવાનું હોવાથી તે શુક્રવારે સવારે સાત વાગ્યે નીકળ્યો હતો. રેલવે પોલીસનો
સવારના આઠ વાગ્યે ફોન આવ્યો હતો કે, મહેક ટ્રેનમાંથી પડી ગયો
છે. મહેકના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે ડોમ્બિવલી-પૂર્વના
સ્મશાનગૃહમાં કરવામાં આવ્યાં હતાં.