• સોમવાર, 04 ઑગસ્ટ, 2025

કિડાણા તળાવથી સપનાનગર ચાર રસ્તા સુધીનાં 28થી વધુ દબાણ હટાવાયાં

ગાંધીધામ, તા. 2 : કિડાણા તળાવથી લઈને સપનાનગર ચાર રસ્તા સુધી માર્ગ ઉપર ગેરકાયદે વ્યાપક દબાણો કરવામાં આવ્યા હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાઈ રહી હતી અને અસામાજિક તત્ત્વોના કારણે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પગલે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા અને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના પછી પોલીસને કોર્પોરેશને સંયુક્ત કામગીરી કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોએ પણ સરકારી જમીન ઉપર દબાણ કર્યાં હતાં, તે સહિત કુલ 28થી વધુ દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં અને લગભગ 2400 સ્ક્વેર ફૂટથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. મહાનગરપાલિકાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ અને શેરીઓ તથા ગલીઓમાં વ્યાપક દબાણો છે. લોકોએ રોડ-રસ્તા દબાવી લીધા છે. જો કોઈ ઘટના ઘટે તો આપાતકાલીન પરિસ્થિતિમાં અગ્નિશમન દળ કે અન્ય મોટા સાધનો જઈ શકે તેમ નથી, એટલી હદે દબાણો થઈ ગયા છે, તેનું પરિણામ પણ શહેરીજનોને ભોગવવું પડી રહ્યો છે. હવે તો ઘણા વિસ્તારોમાંથી લોકો ખુદ મહાનગરપાલિકા કચેરીએ આવીને દબાણો દૂર કરવા માટે કરી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્રે નોટિસો આપ્યા પછી પણ કાર્યવાહી કરી નથી. આગામી સમયમાં દબાણો ઉપર મોટી કાર્યવાહી કરાશે તેવું સૂત્રો કહી રહ્યા છે. હાલના સમયે જે જગ્યાઓ ઉપર નડતરરૂપ દબાણો છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિડાણામાં સેવાકુંજ સામે તળાવથી લઈને સપનાનગર ચાર રસ્તા સુધી મોટાપાયે દબાણો થઈ ગયાં હતાં. અહીં સામાજિક તત્ત્વોનાં પણ દબાણ હતાં. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસગર અયુબ કટિયા અને ગફુર જાફર છુછિયા ઉપર ગાંધીધામ એ તથા બી-ડિવિઝન પોલીસમથકમાં અને કંડલામાં ગુના નોંધાયેલા છે. સરકારી જમીન ઉપર કાચું-પાકું બાંધકામ કરીને ચા-નાસ્તાની દુકાનો તેમજ પંક્ચરની દુકાન ઉપરાંત અન્ય ધંધાઓ કરી રહ્યા હતા. અહીં ગેરકાયદે અતિક્રમણના કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ સર્જાઇ રહી હતી. લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને ગાંધીધામ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજની સૂચનાથી ગાંધીધામ બી-ડિવિઝન પીઆઈ ગોજિયા, મનપાના દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, પાણી વિભાગના દિનેશ પુજારા, રાજેશ જેઠવાની, કનૈયાલાલ સાધુ, લક્ષ્મણ મહેશ્વરી, વિનોદ માતંગ, જિતેન દેવરિયા સહિત કર્મચારીઓએ મશીનરી સાથે સ્થળ ઉપર પહોંચીને પોલીસ બંદોબસ્ત સાથે 28થી વધુ દબાણો દૂર કર્યાં હતાં.  લગભગ 2400 સ્ક્વેર ફૂટથી વધુની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અસામાજિક તત્ત્વોના દબાણના કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને અનેક ગુનાઓને પણ અંજામ અપાતો હતો.  ત્યાર પછી પોલીસ અને પાલિકાએ આ કાર્યવાહી કરી છે અને દબાણો દૂર કર્યાં હતાં. 

Panchang

dd