ભારતના વિકાસનો ડંકો આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે, પણ
ચીન સાથેના વેપારમાં મસમોટી ખોટ એક અલગ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. ભારતના ચીન
સાથેના સંબંધ સતત ઉતાર - ચઢાવભર્યા રહ્યા છે. ભારતીય વિસ્તારોમાં ચીની ઘૂસણખોરી હોય
કે પાકિસ્તાનને ટેકો હોય, એવા તમામ પ્રસંગોએ દેશભક્તિની લાગણી
ચીની માલસામાન સામે ભભૂકી ઊઠતી હોય છે,પણ સમયની સાથે આ લાગણી
ઠંડી પડી જાય તે પછી બધું જૈસે થે થઈ જાય છે. વેપાર ફરી રાબેતા મુજબ થઈ જાય છે. આવા
સંજોગોમાં ચીન સાથે ભારતના વેપારમાં અસંતુલન ભારતીય ઉત્પાદનોની તાકાતની નબળાઈ છતી કરે
છે. ગયાં વર્ષ દરમ્યાન ભારત અને ચીન વચ્ચેની
વેપારી ખાધ 112 અબજ ડોલરને
આંબી ગઈ હતી. ભારતે ચીન પાસેથી 131 અબજ ડોલરની
વસ્તુઓની આયાત કરી હતી અને માત્ર 19.પ અબજ ડોલરની નિકાસ કરી હતી. નોંધપાત્ર હકીકત એ છે કે 2024ની સરખામણીએ 202પમાં ભારતની ચીનથી કરેલી આયાતમાં
16 ટકાનો વધારો થયો હતો. ભારતે
ચીનમાંથી આયાત કરેલી વસ્તુઓમાં 7પ.8 અબજ ડોલરનો મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સનો
હિસ્સો હતો, જ્યારે રસયાણ, પ્લાસ્ટિક અને ખાતરની આયાત 27 અબજ ડોલરની રહી હતી. આજે ભારતનો દુનિયામાં દવા ઉત્પાદન અને નિકાસમાં
દબદબો છે, પણ એન્ટિબાયોટિક્સનાં ઉત્પાદન માટેનો કાચો માલ
ચીન પાસેથી આયાત કરવો પડે છે. ગયાં વર્ષે આ કાચા માલની આયાત 1.6 અબજ ડોલરની રહી હતી. ઉલ્લેખનીય
છે કે ખાડીદેશોમાં અશાંત પરિસ્થિતિને લીધે ભારતનાં કૃષિ ક્ષેત્ર માટે ચાવીરૂપ યુરિયાની
આયાત ખોરવાઈ છે. આ માટે હવે ચીન પાસેથી આયાત વધારવી પડી છે,પરિણામે યુરિયાની આયાત ચાર કરોડ ડોલરથી વધીને
સીધી એક અબજ ડોલરને આંબી ગઈ છે. ચિંતાની બાબત
એ છે કે ભારતે ચીનને કરેલી નિકાસમાં મોટો હિસ્સો ખનિજ અને દરિયાઈ ઉત્પાદનોનો છે. જો
કે, એક આશાસ્પદ બાબત એ છે કે ભારત સ્માર્ટફોન માટે અનિવાર્ય એવી
પીસીબીની નિકાસ ચીનને કરતો થયો છે. અગાઉ પીસીબીની નિકાસ માત્ર 3.6 કરોડ ડોલરની હતી, જે હવે વધીને 1.પ અબજ ડોલરને આંબી ગઈ છે. ચીન સામેનાં આ વેપારયુદ્ધમાં લાગણીઓના તાણાવાણાને
બદલે વધુ ને વધુ આત્મનિર્ભરતા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાનો આપેલો
સંકલ્પ આ વેપાર સંતુલનને જાળવવા માટે ચાવીરૂપ મંત્ર બની શકે તેમ છે. ઘર - અંાગણાંની
મસમોટી માંગ અને બજારને પહોંચી વળવા ઉત્પાદનને મજબૂત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે
ચીન જેવા દેશોથી આયાતમાં ઘટાડો થઈ શકે. આ માટે સરકારે નાનાં અને મધ્યમ ઉત્પાદન એકમોને
વધુ ને વધુ સુવિધા આપવા પર ધ્યાન આપવું જોઈએ. આવાં એકમોને વિનાવિક્ષેપ વીજ પુરવઠો મળે
અને પરિવહન માળખાંને મજબૂત કરવાની ખાસ જરૂરત છે. ઘર - આંગણે ઉત્પાદનોને વિશ્વકક્ષાનાં
બનાવવામાં આવે તો સ્વદેશીનો વ્યાપ વધી શકે છે. આમ થાય તો ચીન અથવા દુનિયાના કોઈપણ દેશ
સાથે વેપાર ખાધને દૂર કરવામાં સફળતા મળી શકશે.