દુર્ગ, તા. 22 : છત્તીસગઢમાં 2021માં જિંદાલ ઈસ્પાત લિ.માં ટ્રાન્સપોર્ટનું
કામ અપાવવાના મામલે મૂળ કચ્છના પૂર્વ ક્રિકેટર ઓફ સ્પિન બોલર રાજેશ ચૌહાણ પર 15 લાખની ઠગાઈનો આરોપ લગાવાયો
છે, આ મુદ્દે હવે અદાલતે ચૌહાણ સામે ફરિયાદ નોંધવાનો
આદેશ કર્યો છે. એક મીડિયા હેવાલ મુજબ, પીડિત દિનકર વિશ્વમિત્રએ
જણાવ્યું હતું કે, રાજેશ ચૌહાણે પોતાની ઓળખ ઈન્ટરનેશનલ ક્રિકેટર
તરીકે દર્શાવી હતી અને બિઝનસમેન નવીન જિંદલ સાથે નજીકના સંબંધ હોવાનો દાવો કર્યો હતો.
આ સાથે ચૌહાણે વિશ્વાસમાં લેવા કંપનીનો કથિત વર્ક ઓર્ડર પણ બતાવ્યો હતો. જે પછી દિનકર
વિશ્વમિત્રએ રાજેશ ચૌહાણને 2.51 લાખ રૂપિયાનું પહેલું પેમેન્ટ આપ્યું હતું. ત્યારબાદ ચૌહાણના
કહેવા પર ગોવિંદ ટ્રાન્સપોર્ટ કંપનીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, જે કુલ રકમ 15.01 લાખ રૂપિયા થાય છે. બહાનાથી
કંટાળેલા પીડિતે કાયદાનો સહારો લીધો હતો, જે પછી અદાલતે મોહનનગર પોલીસને તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધવા સહિતના આદેશ આપ્યા
હતા.