અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : હવામાન
વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં ગઇકાલથી શરૂ
થયેલા વરસાદે આજે શહેરને ધમરોળ્યું હતું અને દસ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. તેના પરિણામે
એ.જી. હાઇવે સહિત અનેક આંતરિક માર્ગો તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા અને રહીશો રોષે
ભરાયા હતા. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર,
એઇસી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ જેવા મુખ્ય માર્ગો
તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને
ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે
અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. મેઘરાજાએ સમગ્ર અમદાવાદ શહેરને સવારથી
જ ઘમરોળવાનું શરૂ કર્યું હોય મોડી સાંજ સુધી ધમાકેદાર બાટિંગ ચાલુ રહી છે. દિવસ દરમિયાન
વરસેલા અતિભારે વરસાદને પગલે મેગાસિટી જળબંબોળ થઈ ગયું હતું. જ્યાં નજર કરો ત્યાં પાણી
જ પાણી જોવા મળી રહ્યું હતું. શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે કપરી
પરિસ્થિતિ સર્જાઈ હતી. બાકરોલમાં સૌથી વધુ 12.42 ઇંચ વરસાદ નોંધાયો હતો. સરખેજમાં 12.05 ઇંચ તથા બોપલમાં 10.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદના હાર્દ સમાન એસ.જી. હાઈવેની બન્ને તરફ આવેલા નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં
ટૂંકા સમયગાળામાં ભારે તીવ્રતાથી વરસાદ ખાબક્યો હતો. બોપલ, સરખેજ, બાકરોલ,
જોધપુર, મકરબા, વેજલપુર સહિતના
વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કમિશનર
બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા
ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને એસજી હાઇવે,
જોધપુર, વેજલપુર અને સૌથી વધુ સરખેજ તથા બોપલ વિસ્તારમાં
ભારે વરસાદ નોંધાયો છે. કમિશનરે દાવો કર્યો હતો કે એએમસી સ્થિતિ પ્રત્યે સંપૂર્ણ સજ્જ
છે અને ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓછી જગ્યાઓએ પાણી ભરાયા છે. ઇસ્કોન અને આરોહી સોસાયટી
જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને નોર્થ-વેસ્ટ ઝોનની 80 સોસાયટીઓમાં પાણી ભરાયા છે.
બોપલ-ઘૂમા વિસ્તારની ભૌગોલિક રચના 'રકાબી' જેવી હોવાથી અને ત્યાંની માટીની પાણી શોષવાની
ક્ષમતા ઓછી હોવાના કારણે ત્યાં પાણીનો ભરાવો વધુ જોવા મળ્યો છે.