ગાંધીધામ, તા. 23 : રાપરના કુંભારિયા ગામની સીમમાં
પોલીસે છાપો મારી રૂા. 14,040નો દારૂ પકડી
પાડયો હતો, પરંતુ આરોપી ભરબપોરે બાવળની
ઝાડીઓમાં ઓઝલ થઈ ગયો હતો. કુંભારિયા ગામમાં રમેશ હીરા ભરવાડ નામનો શખ્સ પોતાનાં મકાનની
પાછળ દૂર આવેલી નદીમાં પ્લાસ્ટિકની થેલીમાં બોટલો રાખી વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના
આધારે આજે બપોરે ગાગોદર પોલીસે છાપો માર્યો હતો. જાણે આ શખ્સને પણ પોલીસ આવતી હોવાની
બાતમી મળી ગઈ હોય તેમ તે બાળવની ઝાડીમાં પોલીસની નજર સામેથી સરકી ગયો હતો. આરોપી ઝાડીઓમાં
સરી ગયો પણ નદીના પટમાં ખાસ થેલી મૂકીને ગયો હતો. જેમાંથી પોલીસે આર.જે. ગ્રીન બ્રાન્ડના
100 મિ.લી.ના 108 કવાર્ટરિયા કિંમત રૂા. 14,040નો શરાબ જપ્ત કર્યો હતો. રાજસ્થાન
બનાવટનો આ દારૂ તે કોના માટે વેચતો હતો, ક્યાંથી આવ્યો હતો અને કોણ આપી ગયું હતું તે સહિતના પ્રશ્નો અનુત્તર છે જેની
આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.