• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ફિફાનાં ભવિષ્ય માટે ખેલદિલી જાળવવી જરૂરી

ફિફા વિશ્વકપ-2026માં અર્જેન્ટિનાને પરરાસ્ત કરીને સ્પેને ફૂટબોલમાં પોતાની સર્વોપરિતા દુનિયાની સામે સાબિત કરી આપી છે.  રવિવારે રાત્રે રમાયેલી ફાઈનલમાં બંને હરીફે પોતાની શ્રેષ્ઠ રમત અને કૌશલનું પ્રદર્શન કર્યું હતું. જો કે, રમતના મેદાન પર ક્ષમતાની કસોટીની સાથોસાથ મેદાનની અંદર અને બહાર ખેલદિલીની ભાવનાની કસોટી પણ થઈ હતી. સરવાળે એવા સંખ્યાબંધ પ્રસંગો બન્યા જ્યાં ખેલદિલી અને નિયમ પાલન પરાસ્ત થયા હોવાની કડવાશ ઈતિહાસમાં  નોંધાઈ છે. ફાઈનલના જંગમાં ઊતરેલી સ્પેન અને આર્જેન્ટિનાની ટીમોએ મેદાન પર જીવ રેડી દીધો હતો. બંને ટીમની તાકાત લગભગ એક સમાન હતી અને તેને લીધે જ નિયત સમયમાં કોઈ પરિણામ આવી શક્યું ન હતું. વધારાના સમયમાં સ્પેને એક ગોલ ફટકારીને વિશ્વ વિજેતાનો ઈલ્કાબ અંકે કર્યો હતો. વધારાના સમયના બીજા તબક્કામાં સ્પેને ગોલ કર્યો ત્યાં સુધી ફૂટબોલપ્રેમીઓને આશા હતી કે, લિયોનલ મેસ્સી  છેલ્લી ઘડીએ ચમત્કાર સર્જીને આર્જેન્ટિનાને જીત અપાવશે.  તેમની આશાથી ઊલટું સ્પેને ચમત્કાર સર્જી દીધો હતો.મેસ્સીની તાકાત પર મુસ્તાક આર્જેન્ટિનાને આ નિર્ભરતા ભારે પડી હતી. સ્પેનની ટીમના તમામ ખેલાડીઓએ લડાયક રમત રમીને પોતાની હાજરી મેદાન પર જીતના સ્વરૂપમાં નોંધાવી હતી.  આરંભથી જ આર્જેન્ટિનાની રમતમાં જીતની આક્રમકતાનો અભાવ અનુભવાતો રહ્યો હતો. મેદાન પર હરીફ ખેલાડીઓ વચ્ચેની ચકમકે ફિફાના આ વર્ષના આયોજનમાં ખેલદિલીના અભાવની ચરમસીમા અંકિત કરી હતી. ઈનામ વિતરણ સમયે આર્જેન્ટિનાના ખેલાડીઓના વર્તનની વિશ્વભરમાં નકારાત્મક  નોંધ લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ખેલાડી ફ્લોરીન બ્લોગનને અપાયેલા રેડકાર્ડના મામલામાં ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરમ્યાનગીરી કરાવીને જે રીતે ફિફાને આ ખેલાડીને મેચ રમવાની છૂટ અપાવ્યાનો મુદ્દો ફિફાના વિવાદના ઈતિહાસમાં ટોચે પહોંચી ગયો છે.  આ ઉપરાંત ખેલાડીઓએ ચાલુ મેચમાં વધુ પડતી આક્રમકતા બતાવીને નિયમોનું છેડેચોક ઉલ્લંઘન કરવામાં જરા પણ પાછી પાની કરી ન હતી. વળી મેચના રેફરીઓ પર પક્ષપાતભર્યા વલણ અને નિયમ પાલનમાં આંખ આડા કાન કરવાના આરોપો પણ આ વખતે ફિફામાં સતત સામે આવતા રહ્યા હતા. સમયની સાથે ફિફાએ મેદાનની અંદર અને બહાર આચરણની સાથોસાથ દખલગીરીની સામે કડક કાયદાની સાથોસાથ તેના અમલ માટે વધુ ને વધુ હિંમત અને સજ્જતા કેળવવાની ખાસ જરૂરત છે. આ વખતની સ્પર્ધાએ આ અનિવાર્યતા છતી કરી છે.  સમયસર આગોતરા પગલાં લેવા પર ધ્યાન નહીં અપાય તો આગામી ફિફાનાં આયોજનમાં ખેલદિલી સાવ વિસરાઈ જશે અને માત્ર યેનકેન પ્રકારે જીતની લડત આ રમતના આખા સ્વરૂપને બદલવાઈ નાખશે. દરમ્યાન ફૂટબૉલ ટીમ ગેમ છે, એ વાતનું પ્રતિપાદન ફિફા વર્લ્ડ કપ વિજેતા સ્પૅને ફાઈનલમાં દાખવેલી રમતથી વધુ એકવાર થયું. સ્પૅન પાસે ન તો મૅસી હતો, ન રૉનાલ્ડો કે ન ઍમ્બાપે છતાં આ ટીમે સંઘભાવના અને સૌના પ્રયાસોથી મૅસીના આર્જેન્ટિના, રૉનાલ્ડોના પૉર્ટુગલ અને ઍમ્બાપેના ફ્રાન્સને પરાજય આપ્યો. 19 વર્ષનો લામિન યમલ સ્પૅનનો સૌથી જાણીતો ફૂટબૉલર ખરો, પણ સ્પૅનનો લામિન એવી ઓળખ નથી અને ન તો તેની આસપાસ આ ટીમ રમે છે કે ન તો બધા જ ખેલાડીઓ તેને ગોલ કરવાની તક મળે એ માટેના પ્રયાસો કરે છે. બધી જ મૅચમાં તે પોતાને અપાયેલી ભૂમિકાના દાયરામાં રહી રમ્યો અને રમત તથા દેશનું ગૌરવ વધાર્યું. અભેદ્ય ડિફેન્સ, સંયમ, આયોજનબદ્ધ પાસિંગ તથા ટીમવર્ક આ ચાર બાબતો સ્પૅનના વિજયના પાયામાં છે. આ વિજય સ્પૅનના ટીમ કલ્ચર ઉપરાંત ફૂટબૉલ સંસ્કૃતિ અને ટિકિ ટાકા ફિલોસોફી તથા માળખાકીય સુવિધાઓમાં કરેલા રોકાણને આભારી છે.  

Panchang

dd