નવી દિલ્હી, તા. 23 : દિલ્હીમાં
જંતર મંતરે ચાલી રહેલા સીજેપીના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આવાસે
ગુરૂવારે ઈન્ડિ ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના
વિપક્ષી સાંસદો એકત્રિત થયા હતા અને બહાર ખાલી બસો બોલાવવામાં આવી હતી. જેનાથી સુરક્ષા
દળો પણ સતર્ક થયા હતા. બેઠક બાદ રાહુલ ગાંધી સહિતના તમામ વિપક્ષી નેતાઓ 30 જનવરી માર્ગ ગાંધી સ્મૃતિ તરફ
રવાના થયા હતા. રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ ગાંધી સ્મૃતિ પહોંચે તે પહેલા જ સ્થળ
ઉપર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. વિપક્ષી
ગઠબંધનમાં શિવસેના યુબીટીના અરવિંદ સાવંત, એનસીપી (શરદ)ના સુપ્રિયા સુલે, ટીએમસીના મહુઆ મોઈત્રા
અને સૌગત રાય, જેએમએમના મહુઆ માંઝી, આરજેડીમાંથી
મીસા ભારતી અને સંજય યાદવ, સીપીએમના જોન બ્રિટાસ વગેરે સામેલ
થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક્સ ઉપર પોસ્ટ મારફતે જાણકારી આપી હતી કે તેઓ એવા
છાત્રોને યાદ કરવા જઈ રહ્યા છે જેઓને આપણે ગુમાવ્યા છે. તેમ એવા છાત્રોને સમર્થન આપી
રહ્યા છે જેઓ ઘાયલ છે, જેઓને ન્યાય અને જવાબદારીની શાંતિપુર્ણ
માગ બદલ મારવામાં આવ્યા છે. ભારતના છાત્રો એકલા નથી. પુરો વિપક્ષ છાત્રોની સાથે છે. વિપક્ષી સાંસદો રાહુલના આવાસેથી રવાના થતા જ હાઈવોલ્ટેજ
ડ્રામા જોવા મળ્યો હતો. શરૂઆતમાં બેરિકેડ્સ મારફતે બસ રોકી દેવામાં આવી હતી. જો કે
10 મિનિટની વાતચીત બાદ વિપક્ષને
ગાંધી સ્મૃતિએ જવા દેવાયો હતો.