• શુક્રવાર, 24 જુલાઈ, 2026

કચ્છમાં શિક્ષકોની ઘટ, શિક્ષણ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક : કલેક્ટરને આવેદન

ભુજ, તા. 23 : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના ઉપક્રમે જિલ્લા કલેક્ટર કચેરીની બાજુમાં `િશક્ષણ બચાવો, લોકશાહી બચાવો'નાં સૂત્ર સાથે બે દિવસીય પ્રતીક ધરણાનું આયોજન કરાયું હતું. આ ધરણામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સામાજિક કાર્યકરો અને પક્ષના સાથીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષણ અને લોકશાહીના પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી હતી. ધરણા પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું, આવેદનપત્રમાં ગુજરાત તથા ખાસ કરીને કચ્છ જિલ્લાનાં શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ, સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓથી શિક્ષણ પર થતી પ્રતિકૂળ અસર, શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી પણ અનેક વિદ્યાર્થીઓને સમયસર પાઠયપુસ્તકો ઉપલબ્ધ થયાં નથી જેવા શિક્ષણના અધિકાર સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો રજૂ કરાયા હતા. ધરણા દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માંગ, ઉપરાંત દિલ્હીના જંતરમંતર ખાતે  સોનમ વાંગચૂંક દ્વારા ચલાવવામાં આવતા શાંતિપૂર્ણ આંદોલન અને ભૂખ હડતાલને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા જાહેર સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમુખ એડ. હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ પ્રતીક ધરણા માત્ર શરૂઆત છે. જો માગણીઓ અંગે યોગ્ય અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સંસ્થા બંધારણીય અને લોકશાહી માર્ગે વધુ વ્યાપક જનઆંદોલન, પ્રદર્શન અને કાનૂની લડત ચલાવશે. 

Panchang

dd