• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને હટાવાયા

નવી દિલ્હી, તા. 23 : નીટ પેપર લીકને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આજે રાત્રે એક મોટી મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. શિક્ષણ સચિવ વિનીત જોશીને દૂર કરવામાં આવ્યા છે. તેમનાં સ્થાને નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  બીજી તરફ અગાઉ વાતચીતની સરકારના પ્રસ્તાવો નકાર્યા બાદ મોડી રાત્રે સીજેપીએ મંત્રણા માટેની કેન્દ્રની નવી ઓફરને સ્વીકારી છે અને આવતીકાલે વાટાઘાટ થશે એમ સૂત્રોએ જણાવ્યું છે. સીજેપીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે 12.30 વાગ્યે સરકારને મળશે. વિનીત જોશી ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા, જેમાં એનટીએ  પણ સામેલ હતું. રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગવાર હવે ઉચ્ચ શિક્ષણ વિભાગની જવાબદારી સંભાળશે. વધુમાં, કેરળ કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ટીકે અનિલ કુમારને શાળા શિક્ષણ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મણિપુર કેડરના 1992 બેચના અધિકારી વિનીત જોશીને હવે પંચાયતી રાજ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીકને લઈને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની ઉગ્ર માગણી થઈ રહી છે અને દેશમાં દેખાવો થઈ રહ્યા છે. તાલીમ દ્વારા એન્જિનીયર, નરેશ પાલ ગંગવારે રૂરકી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સમાં બી.ટેક., આઇઆઇટી દિલ્હીમાંથી કોમ્યુનિકેશન્સમાં એમ.ટેક. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. રાજસ્થાનમાં મુખ્ય સચિવ અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે તેમણે પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના સંચાલન જેવા સંવેદનશીલ મુદ્દાઓને  સંભાળ્યા છે.  અગાઉ જંતરમંતર ઉપર ચાલી રહેલા છાત્રોનાં ધરણા-પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ આવતીકાલે 24 જુલાઈના રોજ દેશવ્યાપી પ્રર્દશનનું એલાન કર્યું હતું. આ સાથે જ પાર્ટીએ આહ્વાન કર્યું હતું કે, મોટી સંખ્યામાં છાત્રો પ્રદર્શનમાં સામેલ થઈને તેને સફળ બનાવે. દરમ્યાન કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, અમે સીજેપી સાથે કોઈ પણ સમયે વાતચીત કરવા તૈયાર છીએ. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોકરોચ જનતા પાર્ટીને કમસેકમ ચાર વાર વાતચીત માટે આમંત્રિત કરાઈ છે. જો કે, સીજેપીએ કહ્યું હતું કે, સરકારને વાત કરવી છે તો જંતરમંતર પર આવે અથવા કોઈ અન્ય તટસ્થ સ્થળ પર ચર્ચા કરે. અમે કોઈના ઘરે કે કચેરીએ નહીં જઈએ. 

Panchang

dd