• ગુરુવાર, 23 જુલાઈ, 2026

વાંગચૂકનું સમાધાન રાહુલ માન્ય કરશે?

સંપાદકીય.. કુંદન વ્યાસ : સરકાર લેખિત ખાતરી - આશ્વાસન આપે કે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય તો સોનમ વાંગચૂક અનશન બંધ કરવા તૈયાર છે - એવો પત્ર એમણે કેન્દ્ર સરકારના સિનિયર પ્રધાનોને લખ્યો છે અને વીડિયો સંદેશ પણ બહાર પાડયો છે - સરકાર આવી ખાતરી આપે તો પણ રાહુલ ગાંધી માનશે ખરા? આવી શંકાનું કારણ છે: આંદોલન વિદ્યાર્થીઓ માટેનું રહ્યું નથી. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ અત્યારે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા છે પણ એમનો પ્લાન - અને નિશાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપર છે. આજે સવારે વિપક્ષી નેતાઓની બેઠક મળશે તે શું નિર્ણય કરે છે તે જોવાનું છે પણ રાહુલ ગાંધીએ તો પત્રકાર પરિષદ બોલાવીને પ્રથમ શરત - ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની રાખી છે. હવે સોનમ વાંગચૂક સાથે સરકાર વાટાઘાટ કરવા તૈયાર થાય તો પણ વિદ્યાર્થીઓ (રાહુલ ગાંધી કહે છે હમારે બચ્ચે)ને છોડી મુકાય તો ફરજ ઉપરના પોલીસકર્મીઓએ માર ખાધો, માથા ફોડાવ્યાં - તેમને ન્યાય કેવી રીતે મળે? આ હુલ્લડની ઉચ્ચકક્ષાએ તપાસ જરૂરી છે. સોનમ વાંગચૂકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પડતી મૂકવાનો રૂખ લીધો છે, પણ જંતરમંતર પર કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ કહ્યું છે કે, અમારી લડાઈ ચાલુ રહેશે. વાંગચૂક હટી જાય તો આંદોલનની હવા નીકળી જાય અને રાજકારણીઓએ ઊભી કરેલી હવા સાવ બેસી જાય. રાહુલ ગાંધી આવું થવા દેશે? વાત વધુ એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે કે, નીટ-પેપર લીક માત્ર બહાનું જ છે, આખી ચળવળ રાજકારણ પ્રેરિત અને કેન્દ્રિત છે. દરમિયાન - વિદ્યાર્થીઓનું આંદોલન રાજકીય નેતાઓએ હાઈજેક કર્યું તે પછી વિદ્યાર્થીઓ તો નેતાઓના હાથમાં - અને લડાઈના મેદાનમાં માત્ર `પ્યાદાં' બની ગયા છે. રાહુલ ગાંધીએ જંતરમંતર ખાતે હાજરી આપી નહીં કારણ કે અરવિંદ કેજરીવાલની નેતાગીરી હતી. રાજકીય શતરંજમાં કેજરીવાલને મહાત કરવા માટે જ રાહુલ ગાંધીએ વડા પ્રધાનના નિવાસસ્થાને હલ્લાબોલ કરવાનો નિર્ણય લીધો. રાહુલ ગાંધીને મળવા શરદ પવાર અને અખિલેશ યાદવ મુખ્ય હતા. નવી દિલ્હીથી ફરમાન છૂટયો કે લખનઊ - પટનામાં વિદ્યાર્થીઓને કહો બહાર આવો. લખનઊમાં તો સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવના વિશાળ હોર્ડિંગ રાતોરાત લગાવી દીધા. રાહુલ ગાંધીથી અંતર રાખતા અખિલેશ હવે એમનું પૂંછડું બનીને ફરી રહ્યા છે! આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે હવે અયોધ્યાના રામ અને કિસાનોથી મોટો મુદ્દો વિદ્યાર્થીઓનો - મળ્યો છે! શરદ પવાર નવી દિલ્હી આવ્યા તો રાહુલ ગાંધીને મળવા, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધબારણે બેઠક કરી. ડિલિમિટેશન બાબતે સરકારને પવાર ટેકો આપશે? પવાર બધા પત્તાં છાતીસરસા રાખનારા નેતા છે. અભિજિત દીપકે મહારાષ્ટ્રના છે અને ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાએ કોક્રોચ જનતા પાર્ટીના આંદોલનને પૂરો ટેકો આપ્યો છે. પવાર દીપકેને પણ મળ્યા. તેમની નજર ક્યાં અને નિશાન ક્યાં એ સામે આવે ત્યારે ખબર પડશે. રાજકારણના વમળમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. રાજધાનીમાં કૉંગ્રેસના `કાર્યકરો' સામે ભાજપના કાર્યકરો આવી ગયા છે. સંસદમાં વિપક્ષોનું સંખ્યાબળ અને શક્તિ ઘટી ગઈ છે તેથી હવે શેરીઓમાં સંગ્રામ શરૂ થયો છે. હવે સરકારે સોનમ વાંગચૂકને મનાવી લઈને રાહુલ ગાંધીની બાજી - નિષ્ફળ બનાવવા સિવાય વિકલ્પ નથી. 

Panchang

dd