• બુધવાર, 22 જુલાઈ, 2026

વિદ્યાર્થી આંદોલન : વિચાર રાજકીય પક્ષનો નહીં, સત્યના પક્ષનો થવો જોઈએ

નવી દિલ્હીનો જંતરમંતર વિસ્તાર ફરી એકવાર ગરમ છે. વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. બે સપ્તાહથી વધારે સમયથી ત્યાં ઉપવાસ આંદોલન થયું, લદ્દાખના લડાયક મિજાજની વ્યક્તિ સોનમ વાંગચૂકે કેન્દ્રના શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની માગણી સાથે આ આંદોલનનું નેતૃત્વ કર્યું, શરૂઆતમાં જેની નોંધ નહોતી લેવાઈ તેવી આ ઘટના સોશિયલ મીડિયા થકી જન જન સુધી પહોંચી. કેટલાક લોકોએ અણ્ણા હઝારેના 2012ના આંદોલનનું સ્મરણ કર્યું. અનેક ઘટનામાં હવે બને છે તેમ આ ઘટના પણ પક્ષ- પ્રતિપક્ષ એમ બે વિભાગમાં વહેંચાઈ ગઈ, આખરે તેમને તો પોલીસ હોસ્પિટલમાં લઈ ગઈ. વાંગચૂકના આંદોલનની વિશેષ ચર્ચાને અત્યારે અવકાશ નથી. કારણ કે, સત્ય હજી ઢંકાયેલું છે.  આંદોલન કોણ કરે છે ? કોની સામે છે તેની ચર્ચા કરતાં મૂળ મુદ્દો શું છે અને તે સાચો છે કે નહીં ? તે અગત્યનું છે. જંતરમંતર પાસે ચાલી રહેલું આંદોલન વિદ્યાર્થીઓ માટેનું છે એમ કહેવાય છે. વિદ્યાર્થીઓ કરે છે કે નહીં તેમાં હજી એક મોટા વર્ગને શંકા છે. આંદોલનકર્તાની વિશ્વસનીયતા, વફાદારી વિશે પણ વિવિધ ચર્ચા થઈ રહી છે. દેશે લોકશાહી પ્રણાલી અપનાવી છે તેથી કોઈના લખવા-બોલવા ઉપર તો પ્રતિબંધ મૂકી શકાય નહીં, પરંતુ દરેક વ્યક્તિએ આવા મુદ્દે વ્યક્તિગત વિચાર, વ્યક્તિગત ગમા-અણગમાથી ઉપર ઊઠીને દેશનું અને જે વર્ગ ખરેખર કશુંક વેઠી રહ્યો છે તેમનું હિત અથવા તો તેમનો પક્ષ જોવો જોઈએ.  નીટ-યુજીસીનું પેપર ફૂટયું, દેશમાં આવી ઘટનાઓ વારંવાર બને છે અને તે યોગ્ય નથી. અહીં સરકાર કોની છે તે વાત જ ગૌણ છે. રાજકીય પક્ષોને તો એકમેક ઉપર આક્ષેપ કરવાથી લાભ થતો હોય કદાચ, પ્રજા માટે તો અગત્યનું એ છે કે, આવી બાબતોનું પુનરાવર્તન અટકે. ક્યારેક તો એવું બને કે કોઈ સમસ્યાનો ઉકેલ આવતો હોય ત્યાં જ જો વિપક્ષ તેમાં કૂદે તો શાસક-વિપક્ષ વચ્ચેનું અંતર સમસ્યાના ઉકેલમાં અવરોધક બની જાય. દિલ્હીમાં ચાલી રહેલાં આંદોલનમાં આમ આદમી પાર્ટીના લોકો, થોડા દિવસો પહેલાં કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા હતા. કેટલાક ફિલ્મસ્ટાર્સ પણ ગયા છે. તેમનો હેતુ જે હોય તે, આંદોલન તેમના જવાથી વધારે ચર્ચાસ્પદ બને તે નક્કી છે. વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ પણ ક્ષેત્રના પીડિતો પોતાની વાત રજૂ કરતા હોય પોતાની રીતે અને તેમાં જો કોઈ પણ રાજકીય પક્ષના લોકો જોડાય તો તેમનું સમર્થન કે પ્રોત્સાહન છે તેવી છાપ ઊભી કરવાનું સરળ થઈ જાય. આજે દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સરકારના પ્રતિનિધિને મળ્યા, તેમણે પોતાની માગણીઓ પણ મૂકી છે. સવાલ એ હોવો જોઈએ કે, રજૂઆત કોણ કરે છે ? સમસ્યા સાચી છે ? જો છે તો તેનો ઉકેલ આવે તે અગત્યનું છે. રાજકીય પક્ષોએ પોતાના ભાવિ એજન્ડાને બદલે આંદોલનકર્તા વર્ગનું ભાવિ જોવું જોઈએ. 

Panchang

dd