ભુજ/ગાંધીધામ, તા. 23 : ભુજ તાલુકાના
ખાવડા પાસે આર.ઇ. પાર્કમાંની એક ખાનગી કંપનીના અલગ-અલગ બ્લોક્સમાંથી કોપર વાયર જેની
કિં.રૂા. 3,50,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ
છે. જ્યારે અંજારના વરસાણા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં વારંવાર ઘૂસી તસ્કરોએ રૂા.
85,000ના વાયરની ચોરી કરી હતી. આ
ચોરીના બે આરોપીને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી અંજાર પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.
ખાવડા પોલીસ મથકે એચ.આર. મેનેજર જયગોવિંદ શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ આર.ઇ. પાર્કમાંની
એન.ટી.પી.સી. કંપનીના બ્લોક નં. 14, 13, 12, 10માંથી સોલાર પ્લેટોમાં લાગેલા કોપર વાયર જેની કિં.રૂા. 3,50,000ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી
કરીને લઇ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજીતરફ વરસાણા નજીક
આવેલી સાઝ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડ નામની કંપની પોલિસ્ટર ફિલ્મ અને ચિપ્સ બનાવવાનું
કામ કરે છે. ગત તા. 30/6ના ડી.જી.એમ.
ત્રિવિક્રમરાવએ ફરિયાદી પરેશ દેવાન મોવરને બોલાવી કંપનીમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું
હતું. જેથી પાવરપ્લાન્ટ વિભાગ નીચેના સ્ટોરેજ
રૂમના તથા અન્ય સીસીટીવી કેમેરા તપાસ કરતાં તા. 9/5ના તથા 16/4થી 21/6 દરમ્યાન ત્રણેક શખ્સો અંદર
ઘૂસી સ્ટોરેજ રૂમમાંથી ચારકોર 50 એસક્યુએમએમના
85 મીટર કિંમત રૂા. 85,000ની ટુકડે ટુકડે ચોરી કરી હોવાનું
બહાર આવ્યું હતું. એકાદ મહિના પહેલાં બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ
ધરતાં અંજાર પોલીસે આ ચોરીના આરોપી પરીટ ફારુખભાઇ મુસાભાઇ અને પરીટ જાવેદભાઇ કરીમભાઇ
(રહે. બંને નાની ચીરઇ, તા. ભચાઉ)ને
ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.