• શુક્રવાર, 24 જુલાઈ, 2026

વૈશ્વિક અર્થવ્યવસ્થા તૂટી રહી છે !

નવી દિલ્હી, તા. 23 : વિશ્વભરમાં મિડલ ઈસ્ટના યુદ્ધનાં કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ છે, કાચાં તેલના ભાવમાં સતત વધારો થવાથી ફુગાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને શેરબજારોમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિશ્વ વિખ્યાત પુસ્તક  `રીચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક અર્થતંત્રને લઈને ફરી એકવાર અત્યંત ડરામણી ચેતવણી આપી છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર તેમની એક લેટેસ્ટ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ક્રેશ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે.  રોબર્ટ કિયોસાકીએ આ વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે પતનના આરે છે. મેં મારા પુસ્તક `િરચ ડેડ્સ પ્રોફેસી'માં આ ભયંકર ક્રેશ વિશે ખૂબ જ પહેલાં ભવિષ્યવાણી કરી દીધી હતી. જે લોકોએ તે પુસ્તકમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સલાહનું પાલન કર્યું હતું, તેઓ આજે આ કપરા સમયમાં પણ સુરક્ષિત અને ઠીક છે. પોતાની પોસ્ટમાં કિયોસાકીએ રોકાણકારો અને સામાન્ય  લોકોને હિંમત આપતાં મહત્ત્વની સલાહ આપી છે કે, આ આર્થિક સંકટ વચ્ચે પણ પોતાની રણનીતિ બદલવામાં હજુ બહુ મોડું થયું નથી. તેમના મતે, દરેક મોટા આર્થિક ક્રેશ દરમિયાન જ્યાં લાખો લોકો બરબાદ થઈ જાય છે, ત્યાં જ કેટલાક એવા પણ ચતુર લોકો હોય છે જેઓ યોગ્ય રોકાણ કરીને પહેલાં કરતાં પણ વધુ અમીર બને છે. કિયોસાકીએ ઉમેર્યું કે, રોબર્ટ કિયોસાકી અગાઉ પણ ઘણી વખત આવી ગ્લોબલ ક્રેશ ચેતવણીઓ આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેમના 2.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેઓ સતત રોકાણ અંગે ટિપ્સ આપતા રહે છે. જો તેમની અગાઉની પોસ્ટ્સ પર નજર કરીએ તો, તેઓ આવી કટોકટીમાં બચવા અને અમીર બનવા માટે સોનાં-ચાંદી તેમજ ક્રિપ્ટોકરન્સીને શ્રેષ્ઠ માધ્યમ ગણાવે છે.  રોબર્ટ કિયોસાકીની આ લેટેસ્ટ પોસ્ટને ગણતરીના કલાકોમાં જ 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને સમગ્ર બિઝનેસ જગતમાં તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.  

Panchang

dd