નવી દિલ્હી, તા. 23 : નીટ પેપર
લીકને લઈને સીજેપીના ઉગ્ર દેખાવો અને વિપક્ષોના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
આજે મોડી રાત્રે એક વીડિયો સંદેશ જારી કરીને જણાવ્યું હતું કે, પેપર લીક એ મામૂલી નહીં, પણ ગંભીર વિષય છે, તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પીડાદાયક
છે. પેપર લીકના ગુનેગારો જેલમાં છે અને પેપર ફૂટવાના બનાવો રોકવા માટે આકરો કાયદો લાવવામાં
આવશે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં કડક નિર્ણયો મંજૂર થશે. મોદીએ કહ્યું હતું કે,
આ જ સત્રમાં પેપર લીક વિરોધી બિલ લાવવામાં આવશે. આવતીકાલે કેબિનેટમાં
ચર્ચા કરવામાં આવશે. તેના મામલા ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે જે-તે વિભાગોને નિર્દેશ
આપવામાં આવ્યો છે. અમે આ અંગેનો ખરડો જલ્દી પાસ કરવાના પ્રયાસ કરશું. પેપર લીક કરનારા
અનેક અપરાધીઓને પકડી લેવામાં આવ્યા છે. સરકારે ઘણા કડક પગલાં લીધાં છે. અગાઉ દેશના યુવાનોનાં કલ્યાણ અને ભવિષ્યથી વધુ મહત્ત્વનું
કંઇ જ નથી, તેવું ભારપૂર્વક કહેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
ગુરુવારે નીટ પેપર લીક જેવા મામલાઓમાં દોષીઓને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે
ફાસ્ટટ્રેક કોર્ટ રચવાનું એલાન કર્યું હતું. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના દેખાવકાર
છાત્રોનાં ઉગ્ર બનેલાં આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે એવો વિશ્વાસ આપ્યો હતો કે,
દેશના યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારાં તત્ત્વોને છોડાશે નહીં. વડાપ્રધાને
જણાવ્યું હતું કે, દેશના યુવાનોનું હિત અને ભવિષ્ય અમારી સર્વોચ્ચ
પ્રાથમિકતા છે, ફાસ્ટટ્રેક અદાલતોના સંબંધમાં સરકારે તમામ સંબંધિત
સત્તાધીશ સંસ્થાઓ, અધિકારીઓને તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ
આપી દેવાયો છે. મોદીએ આ પગલાંને વિદ્યાર્થીઓનાં હિતમાં સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંઓની
શ્રેણીની એક કડી લેખાવ્યું હતું.