• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ગાંધીધામ ભારતનગરના માર્ગની સ્થિતિ સુધારવા તાકીદ

ગાંધીધામ, તા. 23 :  ગાંધીધામના ભારતનગરમાં મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઈને નેહરુ પાર્ક રોડ ઉપર જાહેરમાં જે ઘાસચારો વેચાય છે તેને બંધ કરાવવા અને અહીંના માર્ગ ઉપરથી જૂનાં વાહનો દૂર કરીને દબાણ ઉપર કાર્યવાહી કરવા સહિતની સૂચનાઓ અધિકારીઓ અને કર્મચારીઓને આપી હતી. કમિશનર બી.ડી. દવેરાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, એન્જિનીયરો તેમજ અલગ અલગ વિભાગોના કર્મચારીઓ સાથે ભારતનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં સ્થાનિક વેપારીઓએ અને સ્થાનિક પ્રતિનિધિએ વરસાદ પહેલાં જ નવા બનેલાં નાળાંની સફાઈ અંગે રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા નેહરુ પાર્ક રોડ પર જાહેરમાં ઘાસચારો વેચતા લોકોને અહીંથી દૂર થઈ જવા માટે કહ્યું હતું, સાથેસાથે નેહરુ પાર્ક રોડ ઉપર અમુક લોકોએ જૂનાં વાહનોનો ભંગાર જાહેર રસ્તા ઉપર મૂકી દીધો છે તેમને પણ હટાવવા માટે સૂચના આપી હતી. આ વેળાએ ગટર વિભાગ, રોડ રસ્તાના ઇન્ચાર્જ, ગાયત્રી પ્રસાદ જોષી, કરણ ધુઆ, સફાઈ વિભાગના રમેશભાઈ, ભારતનગર વેપારી મંડળના મંત્રી સુનીલ પારવાણી, સ્થાનિક કોર્પોરેટર મોહન ભાનુશાળી, સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નેહરુ પાર્કવાળો રોડ અગાઉ આયોજનમાં લેવાયો હતો અને મંજૂર થયો હતો. કોઈ કારણોસર તે રદ થયો છે અથવા તો હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. આ રોડ ઉપર મોટા મોટા ખાડા છે, જે વાહનચાલકો માટે મુસીબત બન્યા છે. ખાસ કરીને વરસાદ પડશે તેવી સ્થિતિમાં અહીંથી વાહન લઇને પસાર થવું અત્યંત મુશ્કેલ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબત ઉપર ધ્યાન આપીને આઉટસોર્સિંગથી મહાનગરપાલિકામાં ભરતી થયેલા એન્જિનીયરો પાસે આ વિસ્તારોમાં ખાડા પૂરવા સહિતની કામગીરી કરાવવામાં આવેલી તેવું વિસ્તારના લોકોએ જણાવ્યું હતું. 

Panchang

dd