• શુક્રવાર, 24 જુલાઈ, 2026

બાંભણકા વીજચોરીના પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

ગાંધીધામ, તા. 23 : ભચાઉની વિશેષ કોર્ટએ રાપર તાલુકાના બાંભણકા સીમ વિસ્તારમાં બિનઅધિકૃત વીજ જોડાણ મેળવી સિમેન્ટના બ્લોકનું કારખાનું ચલાવતા આરોપીને 5.41 લાખની વીજચોરીના કેસમાં દોષિત ઠેરાવ્યા હતા અને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 5,41,226નો દંડ ફટકારવામાં આવ્યો હતો.  આ બનાવ ગત તા. 20 જાન્યુઆરી-2022માં બન્યો હતો. વીજ તંત્રની ટીમ બાપુઆરી બાંભણકા સીમ વિસ્તારમાં વીજચોરીની તપાસમાં ગઈ હતી. જેમાં નવીન મગનલાલ દવે દ્વારા 11 કે.વી. ધોળાવીરા એ.જી. ફીડરના એક ટ્રાન્સફોર્મરમાંથી બિનઅધિકૃત રીતે 70 મીટર બાંધો વાયર જોડીને પાવર ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેરકાયદેસર વીજપ્રવાહ વડે સ્ટાર્ટર અને પાંચ એચ.પી.ની અલગ-અલગ મોટરો ચલાવીને ખુલ્લા પ્લોટમાં સિમેન્ટના બ્લોક બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. વીજ ટીમે સ્થળ પરથી 70 મીટર વાયર અને સ્ટાર્ટર જપ્ત કરી પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો. વીજતંત્રના સબડિવિઝન દ્વારા આકારણી કરાતાં કુલ રૂા. 5,07,225ની વીજચોરી તથા રૂા. 34,000નો કમ્પાઉન્ડિંગ ચાર્જ મળીને કાયદેસરનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. બનાવ અંગે જી.યુ.વી.એન.એલ ભુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ભચાઉની કોર્ટમાં આવી જતાં ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા, ચેકિંગ શીટ, ફોટોગ્રાફસ અને સાક્ષીઓની જુબાનીને આધારે અદાલતે આરોપી નવીન મગનલાલ દવેને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 5,07,225નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે વીજળી એ દેશના વિકાસ માટે અનિવાર્ય છે અને વીજચોરીથી પ્રામાણિક ગ્રાહકો પર ભારણ પડે છે. જેથી આવા ગંભીર ગુનામાં દાખલા બેસે તે માટે સખત સજા કરવી જરૂરી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એવા એ.જી.પી. ડી. એસ. જાડેજાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd