• બુધવાર, 22 જુલાઈ, 2026

સંસદમાં સરકાર તરફે બદલાયેલાં સમીકરણો

સંસદના ચોમાસુ સત્રનો આરંભ થઈ ગયો છે. આ વખતે પણ વિરોધપક્ષોએ પ્રથમ દિવસે ગૃહની કાર્યવાહીને ખોરવીને પોતના ઈરાદા વધુ એક વખત છતા કરી દીધા છે, પણ આ વખતે સંસદમાં બદલાયેલા સંખ્યાના સમીકરણોએ વિપક્ષની તાકાતને નબળી પાડી હોવાનું ચિત્ર સામે આવી ચૂક્યું છે. સંસદીય ઈતિહાસમાં નવતર એવા ઘટનાકમમાં છેલ્લા ત્રણ મહિના દરમ્યાન વિપક્ષની તાકાત અને એકતા ઘસાયા છે. સંસદના ગત સત્ર દરમ્યાન સીમાંકન ખરડો લોકસભામાં માત્ર પ4 મતે પરાસ્ત થતા સરકારને ભારે આંચકો લાગ્યો હતો, પણ આ વખતના સત્રમાં સત્તાધારી મોરચો વધુ મજબૂત બન્યો હોવાના સરવાળા થયા છે. પાંચ રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોએ રાજ્યસભાના સંખ્યાબળના ચિત્ર પર અસર કરી છે.  તેની સાથોસાથ બંગાળમાં પરાજિત મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણ ઉપરાંત તામિલનાડુમાં સત્તાપલટાને લીધે રાજકીય દોસ્તીના સમીકરણ બદલી રહ્યા છે.  રાજ્યમાં જે રીતે કોંગ્રેસે ટીવીકેની સાથે હાથ મીલાવ્યા છે તેનાથી ધુંઆપુંઆ દ્રમુક હવે ઈન્ડિ સાથે છેડો ફાડવા ઉત્સુક બન્યો છે.  સાથોસાથ અગાઉ વિભાજિત થયેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીના વધુ સંસદ સભ્યો છેડો ફાડે એવી પૂરી શક્યતા છે. આ બધી ગણતરીને જોતાં સંસદમાં વિપક્ષી એકતા નબળી પડી રહી હોવાની છાપ ઉપસી રહી છે. સંસદના બદલાયેલા સમીકરણોનો સૌથી મોટો ફાયદો એક પણ સાંસદ ન ધરાવતા બહુ ઓછા જાણીતા એનસીપીઆઈને થયો છે. તૃણમૂલ સાથે છેડો ફાડનાર તેના 20 સાંસદ એનસીપીઆઈમાં જોડાયા છે, તો સાત સભ્ય ધરાવતી શિવસેનાના સાંસદોની સંખ્યા 13 થઈ છે. આની સીધી અસર ઉદ્વવની શિવસેનાના સંખ્યાબળમાં ઘટાડાના સ્વરૂપમાં થઈ છે. વળી તૃણમૂલના રાજ્યસભાના ત્રણ સભ્યે સભ્યપદ અને પક્ષ બંને છોડયા છે. બંગાળમાં ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં ભાજપ આ ત્રણેને ફરીથી રાજ્યસભાની ટિકિટ આપીને ચૂંટાવી શકે છે. આમાં સરવાળો થતો હોય તેવા સંકેતોમાં અગાઉ સીમાંકનના મામલે દક્ષિણના રાજ્યોમાં વિરોધનો મોરચો સંભાળી રહેલા દ્રમુકના અધ્યક્ષ એમકે સ્ટાલીન દરેક રાજ્યમાં પ0 ટકા બેઠકોના વધારાની જોગવાઈની દરખસ્તથી સીમાંકન ખરડાના વિરોધને પડતો મૂકે તેવી શક્યતા છે.   સંસદમાં બદલાઈ રહેલા સંખ્યાબળના સમીકરણોથી પોરસાઈને સત્તાધારી એનડીએ ચોમાસુ સત્ર દરમ્યાન અગાઉના મુશ્કેલ ખરડાને ફરી હાથ પર લઈ શકે છે. જો કે, આ વખતે સત્રના એજન્ડામાં સીમાંકનનો ખરડા સમાવાયે નથી, પણ તને પસાર કરાવવા નવેસરથી કવાયત હાથ ધરાય તો નવાઈ નહીં રહે. સરકાર નવા સંજોગોમાં સંસદની અંદર બે તૃતીયાંશ બહુમતીથી બહુ નજીક પહોંચી ગઈ છે. આવામાં ચાવીરૂપ મતદાન સમયે મતભેદ ધરાવતા સાંસદો મતદાનથી અળગા રહે અથવા વોકઆઉટ કરી જાય તો સરકાર પક્ષે ખૂટતી મતોની ટકાવારીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેમ છે, પણ આ વખતે સરકાર ઉતાવળ કરવા માગતી ન હોવાનું જણાઈ રહ્યંy છે. શક્ય છે કે, તમામ ગણતરી બરાબર બેસે તો સાવ અચાનક જ આ ખરડો લાવીને તે પસાર કરવાની તૈયારી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.  જો કે, આ વખતે સંસદના સમીકરણો સાવ નવી શક્યતા ઊભી કરી ચૂક્યા છે.  

Panchang

dd