ચીનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શી જિનપિંગ અને રશિયાના
પુતિને જે ઊમળકાથી આવકાર આપ્યો અને વ્યાપારમાં `દાદાગીરી'ને વખોડવામાં
આવી તે જોઈને પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઊકળી ઊઠયા છે. સાચું પૂછો તો દુનિયાની નજર સામે જાણે
એમનું નાક કપાયું છે, તેથી હવે અશોભનીય બફાટ કરવા લાગ્યા છે.
રશિયા સાથે ભારતનું અર્થતંત્ર પણ મૃત્યુશૈયા ઉપર છે - મરવા પડયું છે - ભલે મારે શું?
એવો બળાપો કાઢી રહ્યા છે અને પ્રેસિડેન્ટ પાસેથી પ્રેરણા લઈને એમના વ્યાપાર
ખાતાના સલાહકાર પીટર નવારોનો સન્નિપાત - લવારો પણ શરૂ થયો છે! આપણા સ્વદેશી વિરોધી
નેતાઓની જેમ ભારત સામે વ્યાપાર યુદ્ધમાં ફસાયા પછી ટાંગ ઊંચી બતાવવા માટે બેફામ આક્ષેપો
કરી રહ્યા છે. રશિયા પાસેથી ક્રૂડ તેલ સસ્તા ભાવે લઈને પછી રિફાઈન કરીને અન્ય દેશોને
વેચીને નફાખોરી કરે છે! ભારતના ગરીબ લોકોના ઉદ્ધારને બદલે `બ્રાહ્મણ વર્ગ' માલેતુજાર બન્યો છે - આપણે આ બંધ કરાવવાની જરૂર
છે? વ્લાદિમીર પુતિન માટે વ્લાદિમીર પાંડે વિશેષણ વાપર્યું છે.
નવારોનો આ લવારો આપણા વિરોધી નેતાઓને મોદી સામે આક્ષેપો કરવાનો ખોરાક જરૂર પૂરો પાડશે.
ભારતના ગરીબ વર્ગની ચિંતા અમેરિકાને ક્યારે, ક્યાંથી શરૂ થઈ
? મૂળ તો દુ:ખે છે પેટ અને કૂટે છે માથું! ભારત અમેરિકાની ધમકીઓ ઘોળીને
પી જાય છે! રશિયાનું ક્રૂડ તેલ મળે છે, તો ભારતમાં પેટ્રોલ -
ડીઝલ - ગેસના ભાવ વધ્યા નથી - પણ કદાચ અમેરિકાની ઈચ્છા અને ગણતરી ભારતમાં અશાંતિ અને
અસ્થિરતા ઊભી કરવાની છે અને આ ચાલબાજી નિષ્ફળ ગઈ તેની નિરાશા છે! ભારતની મોટી લોકશાહીના
ગ્રેટ - મહાન નેતા મોદી પુતિન અને શી જિનપિંગના પડખે કેમ ચડયા? એમ કહીને કહે છે ભારતના લોકોએ શું થઈ રહ્યું છે તે સમજવાની જરૂર છે! આ ટ્રમ્પ
અને નવારોને હવે તો ભાન થવું જોઈએ કે, ભારતના લોકો સમજી ગયા છે
કે, અમેરિકા અને વિરોધ પક્ષો ભારતના વિકાસને તોડવા - રોકવા માગે
છે - અને તેનો જવાબ આપી દીધો છે! અમેરિકામાં પણ ટ્રમ્પના બળાપા અને નવારોના લવારા સામે
સખત અણગમો વ્યક્ત થાય છે. આ ભાષા અમેરિકાના પ્રમુખને શોભતી નથી - એવી ટીકા માતબર મીડિયામાં
થઈ રહી છે. ટ્રમ્પની બિનજરૂરી ધમકીઓના પરિણામે ભારતે ચીનનો હાથ પકડયો છે, એમ છડેચોક કહેવાય છે. શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં નરેન્દ્ર મોદીની વ્લાદિમીર
પુતિન અને શી જિનપિંગ સાથેની સાહજિક શારીરિક ભાષા, હાથ પકડીને
મિત્રતાપૂર્ણ વાતચીત, ઘોષણાપત્રમાં ભારતની વાત માનવી... આ બધી
બાબતોની અમેરિકન મીડિયામાં ખૂબ ચર્ચા થઇ છે. રૂસ, ભારત,
ચીનના ત્રેખડની વિશેષ નોંધ લેવાઇ છે. ભારતનો માલ અમેરિકામાં ધૂમ વેચાય
છે, પણ અમેરિકાની માલની આયાત ભારત કરતું નથી એવી ફરિયાદ માત્ર
આક્ષેપ છે. ટ્રમ્પને હકીકત - આંકડાઓ સાથે લેવાદેવા જ નથી! હવે ભારતમાં વિરોધ પક્ષો
સ્વદેશાભિમાન દર્શાવે છે કે, ટ્રમ્પ પઢાવે તેમ પોપટિયું બોલે
છે - તે જોવાનું છે.