ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 3 : કચ્છના વીજગ્રાહકોને આધુનિક
સાધન-સામગ્રી વડે વીજપુરવઠો પહોંચાડવાનું આયોજન હોવા છતાં ક્યાંક સાતત્યપૂર્ણ વીજળી
પહોંચી શકતી નથી. આ સ્થિતિને પહોંચી વળવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કચ્છમાં પહેલી
વખત કોમ્પ્યુટરની મદદ લઈને વીજ વિક્ષેપનાં કારણો ઝડપભેર એક જ કંટ્રોલ રૂમમાં લઈને ટીમને
તુરંત જાણ થઈ જાય તેવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ અને અંજાર સર્કલના
છ ડિવિઝનમાં કમાન્ડ મોનિટરિંગ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. કચ્છ
એક દરિયાઈ વિસ્તાર હોવાનાં કારણે ઓવરહેડ વીજ વાયરોમાં વિક્ષેપની સમસ્યા અન્ય વિસ્તારો
કરતાં કચ્છમાં વધારે રહેલી હોવાથી તેના નિરાકરણ માટે કોટિંગ વાયરો લગાડવામાં આવી રહ્યા
છે. તેમ છતાં લાંબી લાઈનોનાં કારણે કચ્છમાં લાઈન ફોલ્ટ, લો-વોલ્ટેજ અને ઓવરલોડ જેવી સમસ્યાઓ સર્જાતી
હોવાને સત્તાવાર સમર્થન મળ્યું હતું. આ કમાન્ડ મોનિટરિંગ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શું
છે એ જાણવા પી.જી.વી.સી.એલ.ના ભુજ સર્કલના અધીક્ષક તપન વોરાનો સંપર્ક સાધતાં તેમણે
વિગતો આપી કે, આ કચ્છ માટે અત્યંત નવી પદ્ધતિ છે. જે પહેલી વખત
ઉપયોગમાં લેવામાં આવી છે. આ સેન્ટરને કચ્છના શહેરી વિસ્તાર, ગ્રામ્ય
વિસ્તારના જે.જી.વાય. અને ઔદ્યોગિક પ્રકારના વીજ ફીડરોને જોડવામાં આવ્યા છે. હજુ કયાંક
કામ પણ ચાલે છે. ભુજ સર્કલની ત્રણ વિભાગીય કચેરીઓમાં આવા ત્રણ કન્ટ્રોલ સેન્ટર ખોલવામાં
આવ્યાં છે. ભુજ, માંડવી અને નખત્રાણા આ ત્રણ ડિવિઝન હેઠળ પોતાના
વીજ ફીડરને લિંક કરી વીજળી પુરવઠો વિતરિત થાય છે. કેવી રીતે કેટલી મેગાવોટની માત્રા
છે આ તમામ બાબતો હવે કોમ્પ્યુટર આધારિત કરવામાં આવી છે એમ તેમેણ જણાવ્યું હતું. જે
ફીડરમાંથી પસાર થતી લાઈનોમાં કયારે વિક્ષેપ આવ્યો અને તેનું કારણ શું છે, કઈ જગ્યાએ વિક્ષેપ છે એ તમામ માહિતી કન્ટ્રોલ રૂમને મળી જતાં એ જ સ્ટળે ટીમો
રવાના કરવામાં આવશે અને આવી વ્યવસ્થા ટીવી અને કોમ્પ્યુટરના ક્રીનમાં જોવા મળશે એમ
તેમણે જણાવ્યું હતું. અત્યારે ભલે વ્યવસ્થાની આ શરૂઆત છે. બસ ટૂંકાગાળામાં સારાં પરિણામ
જોવાં મળશે એમ તેમણે જણાવ્યું હતું. કેટલા ફીડર આવરી લેવાયાં હશે આ સવાલ સામે શ્રી
વોરાએ માહિતી આપી કે, ભુજ સર્કલ હેઠળના શહેરી 39, ઉદ્યોગોના 27 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 194 જ્યોતિગ્રામ ફીડર જોડવામાં
આવ્યા છે. આટલું કરવા
છતાં ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં ફોલ્ટના પ્રમાણ વધી જાય છે અને લોકોને ઘણી વખત પી.જી.વી.સી.એલ.
સામે નારાજગી વ્યક્ત કરવાના કિસ્સા બને છે, ત્યારે તેમણે કહ્યું કે, શક્ય એટલી આવી સમસ્યાના નિરાકરણના
પ્રયાસો ચાલુ છે. સામે તેમણે એમ પણ કહ્યું કે, કચ્છએ વાવાઝોડાંગ્રસ્ત
વિસ્તાર છે. થાંભલા-લાઈનો પડી જાય છે. આવી સ્થિતિમાં અમારી ટીમો જીવના જોખમે કામ કરે
છે ને ગણતરીના સમયમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં જોડાઈ જાય છે તેની પણ સરાહના થવી
જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. દરમ્યાન અંજાર ખાતે પણ ત્રણેય ડિવિઝનમાં આ કન્ટ્રોલ
સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે એવું જણાવીને અધીક્ષક ઈજનેર અતુલ ચૌધરીએ કહ્યું કે,
ફીડરો જોડવાની કામગીરી ચાલે છે. - વીજ ફોલ્ટ
છે તો 95120 19122 પર વોટ્સએપ કરો : ભુજ,
તા. 3 : કોઈ પણ વીજ
ગ્રાહકના ઘરમાં વીજ ફોલ્ટ થાય તો વોટ્સએપ નંબર સેવ કરી રાખો ને અમને મેસેજ કરો. ટીમ
આવી જશે તેવી ધરપત આપવામાં આવી હતી. અધીક્ષક ઈજનેર તપન વોરાએ જણાવ્યું કે, 95120 19122 આ વોટ્સએપ નંબર દરેક વીજ ગ્રાહકે પોતાના મોબાઈલમાં સેવ કરી રાખે. બસ કોઈ ફરિયાદ હોય તો મેસેજમાં ગ્રાહક નંબર અને
ફરિયાદ શું છે તેનો મેસેજ કરશે તો તુરંત જવાબ મળશે અને ટીમ પણ આવશે.