મરાઠા આંદોલન ચોથા દિવસે અરાજકતા તરફ આગળ વધી રહ્યાનું ચિત્ર
ઉપસ્યું હતું. પહેલા બે દિવસ શિસ્તબદ્ધ રીતે વર્તી રહેલા આંદોલકો એકાએક સોમવારે મનફાવે
એ રીતે વર્તવાનું શરૂ કરતાં હાઈકોર્ટે આની નોંધ લઈ આજે (મંગળવાર) આઝાદ મેદાન સિવાયના
વિસ્તારોમાંથી પ્રદર્શનકારીઓને હટાવવાના નિર્દેશો આપ્યા છે. મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યંy છે કે,
સરકાર કોર્ટના નિર્દેશો મુજબ પગલાં લેશે. આ પહેલાં સોમવારે મનોજ જરાંગે-પાટિલે
હુંકાર કર્યો હતો કે, ફડણવીસ મરાઠાઓની માગણી કાને નહીં ધરે,
તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈ આવશે. અદાલતે મંગળવાર સાંજે ચાર વાગ્યા
સુધીમાં મુંબઈના રસ્તા ખાલી કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠાઓને ઓબીસી તરીકે અનામત ન આપવાની વાત ઉચ્ચારવા સાથે
અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવશું એમ કહ્યું હતું. હાલની સ્થિતિ જોતાં મુંબઈ બાનમાં
હોય એવું લાગે છે. એકનાથ શિંદે મુખ્યપ્રધાન હતા, ત્યારે મહાયુતિ
સરકારે રચેલી જસ્ટિસ શિંદે સમિતિની રચના કરાઈ હતી અને હૈદરાબાદ ગેઝેટ તરીકે ઓળખાતા
બ્રિટિશકાલીન ગેઝેટ તથા વિવિધ પાસાંનો અભ્યાસ કર્યો હતો. જો કે, જરાંગે સાથેની ચર્ચામાં સમિતિએ હજી વધુ સમય માગ્યો હતો. આના જવાબમાં જરાંગેનું
કહેવું છે કે, છેલ્લા 13 મહિનાથી તમે અભ્યાસ કરી રહ્યા છો અને હવે મરાઠાઓને કુણબી સ્ટેટસ
આપતો અહેવાલ સુપરત કરવાનો સમય આવી ગયો છે. જસ્ટિસ શિંદેએ આ વિશે જવાબ આપ્યો હતો કે, આવો અહેવાલ આપવાની સત્તા મને નથી, આ કામ બેકવર્ડ ક્લાસ કમિશનનું છે અને જાતિ પ્રમાણપત્ર વ્યક્તિને અપાય છે,
આખા સમુદાયને આપી શકાય નહીં. ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ પત્રકારો સાથે વાત
કરતાં જરાંગેએ ફડણવીસની ટીકા કરતાં કહ્યું કે, મરાઠાઓ અને કુણબીઓ
એક છે, એવી જાહેરાત કરતો અધ્યાદેશ પસાર કરવાનું કામ જસ્ટિસ શિંદેનું
નથી, તેમને અહીં મોકલવા એ સરકાર, રાજ ભવન
અને રાજ્યનું અપમાન છે, તો જસ્ટિસ શિંદેએ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ
સાથે ચર્ચા કરતાં કહ્યું હતું કે, રાજ્ય પ્રધાનમંડળે હૈદરાબાદ
ગેઝેટને તત્ત્વત: મંજૂરી આપી દીધી છે. જરાંગે સાથેની ચર્ચાની વિગતો અંગે ચર્ચા માટે
તેઓ મરાઠા ક્વોટા મુદ્દા અંગેની કેબિનેટ સબ-કમિટીને મળવાના હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો વિવાદ મહાનગરના માર્ગો ઉપર આવ્યો છે અને અન્ય પછાત-ઓબીસી
સમાજ પણ એમના આરક્ષણમાં ભાગ પડે નહીં તે માટે સાવધાન છે, ત્યારે
તેલંગાણા અને કેરળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતી 28 જાતિને આરક્ષણના લાભ આપવા આગળ
વધે છે. મેટ્રિક પછીના વધુ અભ્યાસ માટે પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે આરક્ષણની વ્યવસ્થા
કરવાની ભલામણ પછાત જાતિઓ માટે નિમાયેલા રાજ્યના પંચે કરી હતી, તેનો હવે સ્વીકાર થશે. તેલંગાણામાં પણ પછાત
જાતિઓ માટે 42 ટકા આરક્ષણ
માટેના બે ખરડા વિધાનસભામાં પસાર થયા છે. અગાઉ પણ પસાર થયેલા આવા બે ખરડા અને એક વટહુકમ
રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા, તેને હજી મંજૂરી મળી નથી, ત્યારે વિધાનસભાએ રવિવારે બંને
ખરડા પસાર કર્યા છે. આર્થિક ધોરણે જાતિવાદની વસતીગણતરી થઈ હતી, તેના આધારે આ નિર્ણય લેવાયો છે. એસસી-એસટીની વસતીના આધારે આરક્ષણની વ્યવસ્થા
થઈ છે, જ્યારે પછાત જાતિઓ અને એસસી-એસટી મળીને આરક્ષણ 50 ટકાથી વધુ નહીં હોવું જોઈએ
એવી કાનૂની જોગવાઈ છે, તેથી રાજ્ય
સરકારે સામાજિક-આર્થિક સ્થિતિ, શિક્ષણ, રોજગારી વગેરેની મોજણી કરાવીને તેના આધારે ખરડા તૈયાર કર્યા છે.