ભુજ, તા. 3 : ભુજના વેપારી અહેસાન અહમદ શેખના
ત્રણ ચેક પરત ફરતાં આ કેસમાં તેને એક વર્ષની કેદની સજા તથા ત્રણે ચેકની રકમ રૂા. 90,20,000 વળતર ચૂકવવા અદાલતે આદેશ કર્યો
છે. આ કેસની ટૂંક વિગતો મુજબ અહેસાન શેખ વર્ષોથી અલ્કેમી માઇન્સ એન્ડ મિનરલ્સના નામે
એક્સ્પોર્ટનું કામકાજ કરતા હતા. વર્ષ 2019માં તેમના દ્વારા રાધેશ્યામ માઇન્સ એન્ડ મિનરલ્સ ભાગીદારી પેઢી
પાસેથી રૂા. 1,52,63,909નો ચાઇના ક્લેનો માલ લઇ યુ.એ.ઇ.માં
કંડલા પોર્ટ પરથી એકસ્પોર્ટ કરાયો હતો. આ માલનું ચૂકવણું કરવા આરોપી અહેસાને ત્રણ ચેક
રૂા. 22 લાખ, 43.20 લાખ અને રૂા.
25 લાખના આપ્યા હતા. આ ત્રણેય
ચેક એકાઉન્ટ બ્લોક્ડના કારણોસર ચૂકવણા વિના પરત ફર્યા હતા. આથી રાધેશ્યામ માઇન્સ એન્ડ
મિનરલ્સ ભાગીદારી પેઢી વતી વાઘજીભાઇ ભચુભાઇ છાંગા દ્વારા ત્રણ અલગ-અલગ ફરિયાદ દાખલ
કરાવાઇ હતી. આ ફરિયાદો બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં ચાલી જતાં આરોપી અહેસાન
શેખને તક્સીરવાન ઠેરવી ત્રણેય કેસમાં એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ જેટલી
રકમ વળતર તરીકે ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આરોપી ગેરહાજર રહેતાં ધરપકડ વોરંટ પણ
ઇસ્યૂ કરવામાં આવ્યો છે. આ કામે ફરિયાદી તરફે વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, એ.એન. મહેતા,
એચ.કે. ગઢવી તથા એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા.