• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

રિકવરીની પ્રક્રિયા સંદર્ભે કચવાટની લાગણી

ભુજ, તા. 3 : જેમાં કરોડો રૂપિયાની ઘાલમેલ થઈ એ રાવલવાડી પોસ્ટ કૌભાંડ પ્રકાશમાં આવ્યું તેને પણ સાડા ચાર વર્ષથી વધુનો સમય થઈ ગયો પણ હજી અનેક સવાલોના જવાબોની રાહ જોવાઈ રહી છે અને અલગ-અલગ મોરચે તપાસ જારી હોવાનું કહેવાય છે.  કૌભાંડ આચરવાનો જેમની સામે આરોપ છે, તેવા મુખ્ય આરોપીઓની સાથે સબસિડીયરી ઓફેન્ડર એટલે કે,સહઆરોપીઓની યાદી સમયાંતરે વધતી ગઈ છે અને પોસ્ટ વિભાગ જેમની કોઈ સીધી ભૂમિકા નથી, પણ હેડ ઓફિસમાં ફરજ બજાવવાને લઈને જેમના પર બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે, તેવા ઉપરાંત જેઓ રાવલવાડી કચેરીમાં એક-બે દિવસ માટે ફરજ બજાવવા ગયા હતા, તેવા કર્મચારીઓને સહઆરોપી બનાવીને સંખ્યાબંધ આવા કર્મીઓ પાસેથી રિકવરી કરી રહી છે, પણ બીજી તરફ લાંબા સમય સુધી જારી રહેલા આ કૌભાંડમાં જેમની જવાબદારી નક્કી થઈ શકી હોત તેવા કેટલાક કર્મચારીઓને ઉની આંચ પણ ન આવતાં કચવાટ ફેલાયો છે. વર્ષો સુધી ડેટા એન્ટ્રીના યુઝર આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરીને અગાઉની તારીખના બંધ ખાતાં ફરી ખોલીને બોગસ ક્લોઝર ફોર્મથી પુન: બંધ કરી તેની રકમ ચાંઉ કરી જવાના કાંડ ઉપરાંત કેટલાય ખાતેદારો પાસેથી રકમ લઈને ખરેખર તેનું રોકાણ કોઈ યોજનામાં કરાયું જ ન હોવાના પણ આરોપો છે. માહિતગાર વર્તુળોએ આક્ષેપ કર્યો હતો કે, તપાસકર્તાઓએ મહદ્અંશે પોસ્ટ વિભાગના પોસ્ટ વિભાગના કર્મચારીઓ જ પર જ ફોકસ કર્યું છે. 21 જેટલા લોકોને સહઆરોપી બનાવાયા છે અને બધાની રિકવરી ચાલુ છે. નિવૃત્ત થયેલાઓના નિવૃત્તિ વેળાના લાભો અટકાવાયા છે, પણ જેમણે ધ્યાન આપીને ચકાસણી કરી હોત તો ગફલો વહેલો જ અટકાવી શકાયો હોત અને જેમની સામે કાર્યવાહી થઈ શકે એમ હતી, એવા કેટલાક કર્મચારીઓને કંઈ જ થયું નથી.  સહઆરોપી બનાવાયા નથી તેમજ  કોઈ રિકવરી પણ નથી. દરમ્યાન, સીબીઆઈએ બે મહિના પૂર્વે જ બેદરકારીના આક્ષેપ સાથે સાતેક કર્મચારીને સહઆરોપી ગણ્યા હોવાના અહેવાલ છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગોંડલના પોસ્ટ વિભાગના એક કેસમાં ડી.જી.એ એવું ઠરાવ્યું હતું કે, કેસમાં પ્રિન્સિપાલ ઓફેન્ડર ન હોય તો એવા લોકો પાસેથી તમામ પ્રકારની રિકવરી ન થઈ શકે, પણ એવું કચ્છના કેસમાં થતું નથી. દરમ્યાન, રાવલવાડી કૌભાંડના ઘણા રહસ્યો જેમાં ધરબાયેલાં હતાં, એ રાવલવાડી પોસ્ટ ઓફિસ ખાતેનું કોમ્પ્યુટર પણ કૌભાંડ બહાર આવ્યા બાદ વિસ્તૃત તપાસ માટે ગાંધીનગરમાં એફ.એસ.એલ. માટે મોકલવામાં આવ્યું નહોતું અને તે ડિવિઝનલ ઓફિસમાં લઈ જવાયું હતું અને છેલ્લા કેટલાક સમયથી આ મહત્ત્વનું કોમ્પ્યુટર ગુમ થઈ ગયું હોવાનું કહેવાય છે! આ કૌભાંડમાં જેમને ધૂંબો લાગ્યો તેવા કેટલાય ખાતેદારોએ હવે તેમને ન્યાય મળવાની આશા ગુમાવી દીધી છે. ઘણા બધા એવા છે જેમની પાસે રોકાણ કર્યાની સાચી પાસબૂક નથી. આ સંદર્ભમાં પોસ્ટ અધીક્ષક દર્શન તપસ્વીનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પણ તેમનો ફોન નો-રિપ્લાય થયો હતો.  

Panchang

dd