દારફુર, તા. 2 : સુડાનના પશ્ચિમ પ્રદેશ દારફુરમાં
ભૂસ્ખલનની ગોઝારી દુર્ઘટનામાં કમસે કમ 1000 જણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુડાન પર શાસન કરનારા વિદ્રોહી
જૂથ સુડાન લિબરેશન મૂવમેન્ટ-આર્મીએ જણાવ્યું હતું કે, અનેક દિવસ સુધી પડેલા ભારે વરસાદ બાદ તરાસિન
ગામમાં રવિવારે ભૂસ્ખલન થયું હતું. અહેવાલો અનુસાર મધ્ય દારફુરના મર્રાહ પહાડો વચ્ચે
વસેલા આ ગામમાં ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે અને 1000થી વધુ લોકો માર્યા ગયા છે.
શાસક જૂથે કહ્યું હતું કે, તરાસિન ગામમાં
ભેખડો ધસી પડતાં લગભગ તમામ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. માત્ર એક જ વ્યક્તિ જીવિત
બચી છે. આખું ગામ તબાહ થઈ ગયું છે. રાહત અને
બચાવ કામગીરી માટે સુડાનના જૂથે સંયુક્ત રાષ્ટ્રો અને અન્ય આંતરરાષ્ટ્રીય સહાય સંગઠનોને
અપીલ કરી છે. સ્થાનિક મીડિયામાં જારી થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, પહાડોને લીધે આખો રહેણાક વિસ્તાર દટાઈ ગયો છે અને લોકો સ્વજનોની શોધ કરી રહ્યા
છે. સુડાનમાં છેલ્લા ઘણા સમયથી ગૃહયુદ્ધની ગંભીર કટોકટી જારી છે અને મર્રાહ પહાડોના
વિસ્તારમાં હજારો વિસ્થાપિત પરિવારોએ આશ્રય લીધો છે. 2023થી સેના અને અર્ધલશ્કરી દળ
રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે રાજધાની ખાર્તુમ સહિત અનેક નગરોમાં ઘર્ષણ જારી છે.