નવી દિલ્હી, તા. 3 (પીટીઆઈ)
: અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનમાંથી
ધાર્મિક ઉત્પીડનથી બચવા ભારત આવેલા લઘુમતી હિન્દુ, શીખ,
બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી
સમુદાયના 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ભારત
આવેલા સભ્યોને પાસપોર્ટ કે અન્ય કોઈ પ્રવાસ દસ્તાવેજ વિના જ દેશમાં રહેવાની મંજૂરી
આપવાનો મોટો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે અમલમાં
આવેલા નાગરિક (સુધારા) કાયદા (સીએએ) મુજબ 31 ડિસેમ્બર, 2024 કે તે પહેલાં ભારત આવેલા અને
ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.
તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા અપ્રવાસી અને વિદેશીઓ વિષયક અધિનિયમ-2025 (2025ની 13મી કલમ) અનુસાર 31 ડિસેમ્બર 2024 કે તે પહેલાં ભારત આવેલા આ
ઉત્પીડિત નાગરિકોને નાગરિકત્વ આપવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ આદેશ મોટી સંખ્યામાં આવેલા
લોકો ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને રાહત આપશે જે 2014 બાદ ભારત આવ્યા હતા અને પોતાના
ભવિષ્યને લઈને ચિંતિત હતા. ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં પરિપત્ર અનુસાર
અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનના
લઘુમતી સમુદાય-હિન્દુ, શીખ, બૌદ્ધ,
જૈન, પારસી અને ખ્રિસ્તી કે જેઓ ધાર્મિક અત્યાચાર
કે તેના ડરથી ભારતમાં શરણ લેવા મજબૂર બન્યા અને 31 ડિસેમ્બર 2024ના કે તે પહેલાં માન્ય દસ્તાવેજો
વિના દેશમાં પ્રવેશ કર્યો તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી છૂટ આપવામાં
આવશે. - વિઝા-પાસપોર્ટની
જરૂર નહીં : બે દેશના લોકો માટે ભારતે ખોલ્યા દરવાજા : નવી દિલ્હી, તા.3 : નેપાળ અને
ભૂતાનના નાગરિકોની સાથે બંને પડોશી દેશથી સડક કે હવાઈ માર્ગથી ભારતમાં પ્રવેશ કરનારા
ભારતીયોને પણ પહેલાંની જેમ પાસપોર્ટ કે વિઝા પ્રસ્તુત કરવાની આવશ્યકતા રહેશે નહીં.
અપ્રવાસી અને વિદેશી (નાગરિક) અધિનિયમ-2025ના લાગુ થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલાં એક પરિપત્ર
મુજબ ભારતીય નૌસેના, સેના અને વાયુસેનાના
સભ્ય કે જે ફરજ દરમ્યાન ભારતમાં પ્રવેશ કરે અથવા બહાર જતા હોય તેમને પાસપોર્ટ કે વિઝા
રાખવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત એવા સૈનિકોના પરિવારના સભ્યો કે જેઓ આવા વ્યક્તિની
સાથે સરકારી વાહનમાં જતા હોય તેમને પણ પાસપોર્ટ કે વિઝાની જરૂર રહેશે નહીં. જો કોઈ
ભારતીય નાગરિક નેપાળ કે ભૂતાનની સરહદેથી માર્ગ કે હવાઈ માર્ગે ભારતમાં પ્રવેશે અથવા
કોઈ નેપાળી કે ભૂતાની નાગરિક નેપાળ કે ભૂતાનથી સડક કે હવાઈ માર્ગે પ્રવશે અથવા તેમના
પાસે માન્ય પાસપોર્ટ હોય અને તે નેપાળ કે ભૂતાન અથવા અન્ય સ્થળેથી ભારતમાં પ્રવેશે
તો માન્ય દસ્તાવેજની જરૂર રહેશે નહીં. જોકે આ છૂટ ચીન, મકાઉ,
હોંગકોંગ કે પાકિસ્તાનથી યાત્રા કરનારને લાગુ રહેશે નહીં.