નવી દિલ્હી, તા. 3 : ડોનાલ્ડ ટ્રમ્પે
લાદેલા તીવ્ર ટેરિફ વચ્ચે જીએસટી કાઉન્સિલે આજે જનતાને મોટી રાહત આપતા નિર્ણયમાં 12 અને 28 ટકાના બે સ્લેબને ખતમ કરી દીધા
હતા અને માત્ર પાંચ તથા 18 ટકાના બે
સ્લેબ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આજે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકના પ્રથમ દિવસે
નાણામંત્રી નિર્મલા સિતારામને મહત્ત્વની ઘોષણાઓ કરતાં કહ્યું હતું કે, નવી વ્યવસ્થા પ્રથમ આશ્વિન નોરતાંથી એટલે કે,
22 સપ્ટેમ્બરથી લાગુ થશે. જીએસટીમાં
કાપ એ સમયની માંગ છે. જો કે, તમાકુ
અને વૈભવી ચીજવસ્તુઓ પર ભારે 40 ટકા જીએસટી લાગશે. સરકારે વીમા પ્રીમિયમમાં પણ રાહત આપી છે.
33 જીવનરક્ષક પર જીએસટી શૂન્ય
કરવામાં આવ્યો છે. શરાબ અને ફાસ્ટફૂડ, મોંઘા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે,
આમ આદમીની જિંદગીમાં સુધાર લાવનારો અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવતો
નિર્ણય છે. નાના વેપારીઓને કારોબારમાં સરળતા રહેશે. અહીં એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જીએસટી રાહતનો સંકેત
આપ્યો હતો. નાણામંત્રીએ જાહેર કરેલાં પગલાંમાં સામાન્ય જન માટે ઘણી રાહત દેખાય છે.
ખાસ તો મેડિકલ વીમાને કરમુક્ત કરાતાં વધુ લોકો
આરોગ્ય છત્ર મેળવવા તરફ આકર્ષિત થશે. ફાસ્ટફૂડ અને સુગર ડ્રિંક પર ઊંચા કર ભારણનો હેતુ મેદસ્વિતા સામેના
અભિયાનને વેગ આપવાનો હોવાનું સમજાય છે. નિર્મલા સીતારામનના જણાવ્યા અનુસાર દૂધ,
પનીર, પિઝા બ્રેડ, રોટલી,
પરોઠાને હવે શૂન્ય જીએસટી સ્તરમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત,
નાના તથા હાઇબ્રીડ સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતાં નાણામંત્રીએ
કહ્યું હતું કે, શેમ્પૂ, સાબુ, તેલ અને અન્ય રાજિંદા ઘરગથ્થુ વસ્તુઓ ઉપરાંત, નમકીન,
પાસ્તા, કોફી, નૂડલ્સ પર
હવે 5 ટકા જીએસટી લાગશે. આ ઉપરાંત નાની તથા હાઈસ્પીડ
કાર, બાઇક અને સિમેન્ટ પર હવે 28 ટકાને બદલે 18 ટકા ટેક્સ લાગુ થશે. ટીવી પર
જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે 33 જીવનરક્ષક દવાને જીએસટીના દાયરામાં
બાકાત રાખવામાં આવી છે, જેમાં કેન્સરની
ત્રણ દવા પણ સામેલ છે. સ્વાસ્થ્ય અને જીવનવીમા પ્રીમિયમ પર જીએસટી નહીં લાગે. બીજી
તરફ સુપર લક્ઝરી વસ્તુઓને 40 ટકાની ખાસ શ્રેણીમાં રાખવામાં આવી છે. આ શ્રેણીમાં પાન મસાલા, સિગારેટ, ગુટકા અને અન્ય
તમાકુ ઉત્પાદનો, બીડીનો સમાવેશ થાય છે. ફ્લેવર્ડ કાર્બોનેટેડ
પીણાં પણ આ સ્તર હેઠળ રાખવામાં આવે છે. રાજધાની
દિલ્હીમાં આજે જીએસટી પરિષદની બેઠક ચાલી રહી હતી, ત્યારે બીજીબાજુ
વિપક્ષી રાજ્યો તરફથી કાઉન્સિલ સમક્ષ કેટલીક માગણીઓ કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ,
ઝારખંડ, કર્ણાટક, કેરળ,
પંજાબ, તામિલનાડુ, તેલંગાણા
અને પશ્ચિમ બંગાળ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જીએસટીના સ્લેબમાં
ઘટાડો કરવામાં આવતાં આ સુધારાનો લાભ કંપનીઓના બદલે ગ્રાહકોને પહોંચે તેની કાળજી રાખવી
જોઈએ. આ ઉપરાંત રાજ્યને આ નવી વ્યવસ્થામાં થનારા મહેસૂલી ઘટાડાની ભરપાઈ કરી આપવા માટેની
વ્યવસ્થા, વળતર માટે ખાસ યોજના આપવાની માગણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ફક્ત વિપક્ષનાં રાજ્યો જ નહીં બલ્કે કેટલાક
ભાજપ શાસિત રાજ્યો તરફથી પણ મહેસૂલી નુકસાન અંગે પોતાની ચિંતા દર્શાવી છે. 350 સીસીથી વધુની મોટરસાઇકલ પર 40 ટકા જીએસટી લાગશે. તમાકુ અને સિગારેટ સિવાયના તમામ નવા જીએસટી
દરો 22મીથી લાગુ થશે. કોલ્ડડ્રિંક્સ પર 40 ટકા જીએસટી લાગશે.