• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

ના ઉમ્ર કી સીમા હો...

રસ્તે જતા હોઈએ અથવા તો કોઈક સ્થળે પહેલીવાર `...એ કાકા' કે માસી કે આન્ટી શબ્દ સાંભળવો પડે ત્યારે ઝટકો લાગે... બહારથી તો મોટાભાગના લોકો કહેશે... એમાં શું? ઉંમર તો થઈ જ છે, ના થોડી પડાશે... પણ મનને ગમે નહીં....પોતાને રોજ અરીસામાં જોઈને ફિટનેશ પર ફૂલાતા લોકો પબ્લિકમાં મોટી ઉંમરના તરીકે ઓળખાવા તૈયાર નથી હોતા... ઘરના વોશરૂમમાં વાળ પર નજર નાખીને રૂપેરી કોર ઢાંકી દેવા મંડી પડે... માનવીનો આ સ્વભાવ છે... એને સ્વીકારી લેવામાં જ મજા છે. આધેડ અવસ્થાએ સોળ કે વીસ વર્ષ જેવા ધખારા ન થાય, પણ પોતાની મસ્તી, મરજી પ્રમાણે સજી-ધજીને ફિટ રહેવામાં કશું જ ખોટું નથી... પોતાની જવાબદારી નિભાવવની ક્ષમતા હોય તો તેમ કરવાનું જ... તનથી ફિટ હો તો મનથી આઉટડેટેડ થવાની કોઈ જરૂર ન હોય... મરીઝે કહ્યું છે કે, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો `મરીઝ'... એક તો મદિરા ઓછી છે ને... ગળતું જામ છે... વયની વાત માંડવાનું પ્રયોજન આપ્યું છે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજીએ. આર.એસ.એસ.ની સ્થાપનાનાં એકસો વર્ષ થવા જઈ રહ્યાં છે. એના અનુસંધાને પત્રકારો સાથેની વાતચીતમાં ભાગવતજીએ કહ્યું, `અગર મેરી ઉમ્ર 80 સાલ હૈ ઔર સંઘ કહે કી જાઓ શાખા ચલાઓ તો મુજે જાના હી હોગા, મેં યહ નહીં કહે શકતા કી મેરી ઉમ્ર 75 સાલ હો  ગઈ હૈ, અબ મેં રિટાયરમેન્ટ કા આનંદ લેના ચાહતા હું.' આ વિધાન મહત્ત્વનું છે. સંઘના અને દેશના ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. થોડા સમય પહેલાં  એવા અહેવાલ આવ્યા હતા કે, ભાગવતજીએ 75 વર્ષે નિવૃત્તિનો નિયમ બનાવ્યો છે... એનો અર્થ એ થયો કે પ્લેટીનમ જ્યુબિલીએ પોતે પદ પરથી ઊતરી જશે એના સૌથી ચર્ચાસ્પદ સૂચિતાર્થ એ પણ છે કેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શું? મોદીને પણ 75 વર્ષ થશે... તો શું તેઓ રાજીનામું આપશે? કોઈ નવા નેતા એનડીએનું સુકાન સંભાળશે? અત્યારની દેશની આંતરિક સ્થિતિ અને વૈશ્વિક પ્રવાહ-પરિસ્થિતિ વચ્ચે મોદી કેન્દ્રમાંથી હટે એ ભારતને પાલવે ખરું? આ પ્રશ્નનો જવાબ ભાવિના ગર્ભમાં છુપાયેલા છે.  ઉંમર કે વયને એક મહત્ત્વના પડાવ તરીકે જોવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં નિવૃત્તિની મહત્તા ભિન્ન-ભિન્ન હોય છે. એક જહાજ મધદરિયે શાંત ગતિએ સફર કરે છે. એ સમયે કેપ્ટનને હટાવી ન શકાય. જોખમી જ પુરવાર થવાનું. હા, એ ખરું કે કપ્તાને પોતાની કુશળતા બીજાને આરોપિત કરવાની તત્પરતા રાખવી જોઈએ. રમતનાં મેદાનમાં નિવૃત્તિનો અર્થ અને અસર ભિન્ન હોય, રાજનીતિમાં કે કોર્પોરેટ વિશ્વમાં તેની અગત્યતા જુદી જ હોવાની. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃત્તિનું એલાન કર્યું. ઈંગ્લેન્ડ પ્રવાસ જેવી મહત્ત્વપૂર્ણ ટૂર પહેલાં... પરિણામ શું આવ્યું ? જનરેશન નેકસ્ટે બાજી સંભાળી અને ગૌરવભેર શ્રેણી ડ્રો કરી. આવું બનવા પાછળનું કારણ એ છે કે, ટીમ ઇન્ડિયાની માવજત લેનારા હેડ કોચ, બીજા પ્રશિક્ષકોની સક્રિય ભૂમિકા ખેલાડીઓ પાછળ રહેલી હોય છે. અદાણી ગ્રુપના સર્વેસર્વા ગૌતમભાઈ અદાણીએ પણ પોતાની સત્તા થોડી સંકોરી... પણ રમતની ફિલ્ડની જેમ આજે તેઓ હળવા થઈને બેસી જઈ શકે નહીં... ગૌતમ અદાણી આજે પણ પોતાની જવાબદારી લગાતાર નિભાવે છે. એમની છત્રછાયા હેઠળ અદાણી ગ્રુપ દિનબદિન પ્રગતિ કરે છે. રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીનું પણ એવું જ કહી શકાય. ટાટા ગ્રુપના રતન ટાટા છેલ્લે સુધી કંપનીનું માર્ગદર્શન કરતા રહ્યા. એનો અર્થ બિલકુલ એવો નથી કે નવી પેઢીને તક ન મળવી જોઈએ. વય કે ઉંમર વધવાની સાથે સમજણ, જવાબદારી, લક્ષ્ય બદલાય છે. 20થી 30 વર્ષની ઉમરનો ગાળો નિર્ણાયક માનવામાં આવે છે. એ સમયે લેવાયેલા નિર્ણય અને તે મુજબ જે પગલાં ભર્યાં હશે એ મહદ્અંશે જીવનનો આધાર બનશે.. એ પછી વરિષ્ઠ વયે પહોંચ્યા પછી વ્યક્તિ અનુભવ અને જ્ઞાનમાં પરિપક્વ બને છે. સમાજ માટે અલગ ભૂમિકા નિભાવે છે. હોલીવૂડના મશહૂર અભિનેતા-દિગ્દર્શક ક્લિન્ટ ઈસ્ટવૂડનો 2018ના અરસાનો કિસ્સો પ્રેરક છે. તેમની `ધ મુલ' ફિલ્મની રજૂઆત વેળાએ એક પત્રકારે સવાલ કર્યો `તમારી શું આ છેલ્લી ફિલ્મ હશે?' ઈસ્ટવૂડનો તુરત જવાબ હતો, નો... ડેફીનેટલી નોટ માય લાસ્ટ અને તેઓ લાંબો સમય કામ કરતા રહ્યા. હોલીવૂડ કોરાણે મૂકો, બોલીવૂડમાં અમિતાભ બચ્ચન લિવિંગ લીજેન્ડ છે. 1942માં 11મી ઓકટોબરે જન્મેલા અમિતાભ આજે 82 વર્ષે પણ અદાકારીની દુનિયામાં જોમ- જુસ્સા સાથે સક્રિય છે. જાણે વધતી વયને તેમણે જીવન ઉત્સવ તરીકે લીધી છે. સંઘના વડા મોહન ભાગવતે નિવૃત્તિની વાતો ફગાવી દીધી છે, તો તેનું સ્વાગત થવું જોઈએ. જીવનનો નિચોડ અને પ્રગાઢ અનુભવનો વિકલ્પ તત્કાળ શક્ય નથી. `હીરો' ગ્રુપના સ્થાપક મુંજાલ જીવનના સાડા આઠ દાયકા પછી પણ સ્ફૂર્તિ સાથે કામ કરતા રહ્યા. ખુશવંતસિંહ 90 વર્ષ પછી પણ લખતા રહ્યા તેજતર્રાર કલમ અને ભભૂકતી ભાષા સાથે. કામ કરવું છે, ક્ષમતા છે તો આગળ વધતા રહેવાનું, એવા ભાગવતજીના સંદેશ પાછળ સંઘના સંસ્કાર અને શક્તિ છુપાયેલા છે. આ એવું સંગઠન છે ત્યાં બીજી, ત્રીજી, ચોથી હરોળ તૈયાર છે, જ્યારે સોંપાય ત્યારે જવાબદારી ઉઠાવી લેવાની તત્પરતા સાથે. 

Panchang

dd