ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકાના સેલારીથી કારુડા
વચ્ચે રાજબાઇ માતાના મંદિર નજીક મોમાયવાંઢના નરેશ સામા કોળી (ઉ.વ. 19) નામના યુવાનની ઉપરાઉપરી છરીના
ઘા ઝીંકી હત્યા નીપજાવાતાં ભારે ચકચાર પ્રસરી હતી. વાગડમાં યોજાયેલા મેળા પાસેના આ
બનાવથી અરેરાટી છવાઇ હતી. ચકચારી એવા આ બનાવની મળતી પ્રાથમિક વિગતો મુજબ મોમાયવાંઢમાં
રહેનાર નરેશ કોળી નામનો યુવાન આજે રાજબાઇ માતાના મંદિર પાસે ભરાતા મેળામાં આવ્યો હતો.
મેળામાં મહાલતા-મહાલતા આ યુવાન રાજબાઇ માતાના મંદિર નજીક પહોંચ્યો હતો. દરમ્યાન, વાગડ પંથકના મુખ્યમથક રાપરથી 12-13 કિ.મી. દૂર આવેલી આ જગ્યાએ
બનાવ બન્યો હતો. વાગડ પંથકની તાસીર આકરા મિજાજની ગણાય છે, ત્યારે આ યુવાનની આજે બપોરે કોઇ શખ્સો સાથે
બોલાચાલી-ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ આ યુવાનને ઉપરાઉપરી
છરીના ઘા ઝીંકી દીધા હતા, જેમાં તેને છાતી, ગળાં અને કમરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. હિચકારા હુમલાથી આ યુવાન
ત્યાં જ ફસડાઇ પડયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગંભીર ઇજાઓના
પગલે આ યુવાને ત્યાં જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ત્યાં દોડી
આવી હતી અને લાશને પી.એમ. અર્થે રાપરની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં સાંજ સુધી પી.એમ. ન થયું હોવાનું સૂત્રોએ કહ્યું હતું તેમજ યુવાનના પિતા
વગેરે સંબંધીઓ મહેસાણા હોવાનું પણ બહાર આવ્યું હતું. દરમ્યાન, પોલીસે દોડધામ આદરીને પાંચેક શંકાસ્પદને
રાઉન્ડ-અપ કરી લીધા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. હત્યાના આ બનાવને કેવા કારણોસર
અંજામ આપવામાં આવ્યો હતો ? જૂની અદાવત હતી ? પ્રેમ પ્રકરણ કે અન્ય કાંઇ હતું તે સહિતની દિશામાં પોલીસે ઘોડા દોડાવ્યા હોવાનું
જાણવા મળ્યું હતું. દરમ્યાન, પી.આઇ. જે.બી. બુબડિયાનો સંપર્ક
સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નરેશ અને તેનો ભાઇ આજે મેળામાં
ગયા હતા, ત્યારે તેના ઉપર હિચકારો હુમલો થયો હતો. આ યુવાન અગાઉ
એક યુવતીને લઇને નાસી ગયો હતો, જેનું ખુન્નસ રાખીને તેના પર હુમલો
કરાયો હતો. પી.એમ.ની કાર્યવાહી ચાલુમાં હોવાનું તથા બે શખ્સને રાઉન્ડ-અપ કરાયા હોવાનું
તેમણે ઉમેર્યું હતું. વાગડ પંથકમાં ફરી એક વખત લોહી રેડાતાં ભારે ચકચાર પ્રસરી હતી.
પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.