ભુજ, તા. 3 : મુંદરાના મોટી ભુજપુરના શખ્સ
દ્વારા સગીરા સાથે દુષ્કર્મ-અપહરણ અને મદદ કરનારા તેના ચાર મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે યુવતીએ વિગતે નોંધાવેલી ફરિયાદ મુજબ 2021માં તે જ્યારે ધો. 11માં અભ્યાસ કરતી હતી અને સગીર વયની હતી, ત્યારે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા (રહે. મોટી
ભુજપુર) તેનો પીછો કરી યેનકેન પ્રકારે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. એક વર્ષ બાદ 2022માં ફરિયાદી સગીર વયની હતી, ત્યારે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી શરીર
સંબંધ બાંધ્યો હતો. આ બાદ ફરિયાદીની મરજી ન હોવા છતાં આરોપી અનિરુદ્ધસિંહના મિત્રો
ઇન્દ્રવર્ધનસિંહ ઝાલા, કિશન ગઢવી, પ્રદીપસિંહ
જાડેજા (રહે. તમામ મોટી ભુજપુર) અને વિરાટસિંહ (રહે. મોટા કપાયાવાળા) ફરિયાદીને અનિરુદ્ધસિંહ
સાથે સંબંધ રાખવા ધાક-ધમકી કરી હતી અને અમદાવાદ જવા ફરજ પાડી હતી. ફરિયાદીનું અપહરણ
કરી અમદાવાદ લઇ જઇ ત્યાં ગોંધી રાખી હતી. આમ, ગત 2021થી હાલ સુધી બનેલા આ બનાવ અંગે
મુંદરા પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની
વિવિધ કલમ તળે ગુનો નોંધી છાનબીન આદરી છે.