કુદરતનો કોપ ચોમેર વર્તાઇ રહ્યો છે. ઉત્તર ભારત અતિવૃષ્ટિથી
બેહાલ છે. અફઘાનિસ્તાનમાં ધરતીકંપમાં 1400થી વધુ હોમાઇ ગયા અને સુડાનમાં ભેખડો ધસી પડતાં એક હજાર મોતના
હેવાલ છે. ભારતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે. નૈઋઍત્ય ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા
ભરપૂર મહેર વરસાવે એવી પ્રાર્થના સર્વત્ર થતી હોય છે. ક્યાંક સોળ આના વરસાદ પડે, ક્યાંક કંજૂસાઇએ થાય ને ક્યાંક સરેરાશ કરતાંય
વધુ પાણી વરસી જતું હોય છે. પૂરપ્રકોપ પણ આસામ, બિહાર જેવા રાજ્યો
માટે અપેક્ષિત પ્રક્રિયા છે. આ વખતે ચિત્ર ગંભીર છે, બલ્કે બિહામણું
ભાસે છે. પંજાબ અને ઉત્તર ભારતમાં ભયંકર વરસાદે અપાર ખાનાખરાબી સર્જી છે. હિમાલયની
ગિરિકંદરાઓમાં વસતાં પહાડી રાજ્યો પર તો જાણે આભ ફાટયું હોય એવી હાલત છે. અનેક લોકોએ
જીવ ગુમાવ્યો અને કરોડોની સંપત્તિ તબાહ થઇ છે. મળતી વિગતો મુજબ પહાડી રાજ્યોમાં 20મી જૂનથી 30મી ઓગસ્ટ દરમ્યાન વાદળ ફાટવાના 45 બનાવ બન્યા છે. તેને લીધે 91 જગાએ પૂર આવ્યું. એ સિવાય એકસો
જેટલી ભૂસ્ખલનની દુર્ઘટના નોંધાઇ છે. દેશમાં હજુ સુધી સરેરાશથી છ ટકા વધુ વરસાદ થયો
છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 15 વર્ષમાં નથી થયો એટલો વરસાદ પડયો. અતિ ભારે વરસાદ અને પૂરને
લીધે ખેતરોમાં ઊભો પાક નાશ પામ્યો છે. વળી ખેતરો ધોવાઇ જતાં તેની ફળદ્રુપતા ખતમ થઇ
ગઇ છે. પર્વતીય રાજ્યો મહાસંકટની વેળાએ કેન્દ્ર સરકાર તરફ તત્કાલ રાહતની અપેક્ષા રાખી
રહ્યાં છે. પંજાબ, હિમાચલ પ્રદેશ,
હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં પૂર અને વરસાદે ખાનાખરાબી સર્જી છે. આકાશી આફતથી જનજીવન રફેદફે થઇ
ગયું છે. હિમાચલ અને ઝારખંડમાં ભેખડો ધસી પડવાના બનાવોથી રસ્તાનું નેટવર્ક ખોરવાઇ ગયું
છે. પંજાબમાં ખેતી પહેલેથી દબાણમાં છે. હવે ખેતરોનું ધોવાણ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવે
એવી ભીતિ સેવાય છે. હિમાચલમાં વાદળ ફાટવાના શ્રેણીબદ્ધ બનાવો પછી રસ્તા રહ્યા જ નથી
તેવી હાલત છે. વાદળ ફાટવાના શ્રેણીબદ્ધ બનાવોએ વ્યાપકપણે નુકસાની સર્જી છે,
તેમાં પણ હિમાચલ હજી ગયા વર્ષની તબાહીમાંથી બહાર નથી આવ્યું એવા સમયે
વર્તમાન નુકસાનીએ તેને બેવડો માર માર્યો છે. તેને કારણે તેનું અર્થતંત્ર ડામાડોળ બની
ગયું છે. એ જ રીતે
હરિયાણાના પણ અનેક ગામડાં મુખ્ય રસ્તાથી કપાઇ ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ વાદળ ફાટવાની
ઘટનાએ નાણાકીય અને માનવ હાનિ વધારી છે. આ રાજ્યમાં પૂરપ્રકોપના કારણે લોકો વિસ્થાપિત
થયા છે અને તેના નાજૂક સામાજિક તાણાવાણા પર પણ અસર થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવા
અસરગ્રસ્ત રાજ્યોમાં તત્કાળ સહાય મળે એ જરૂરી છે. માત્ર નાણાકીય સહાય એકમાત્ર ઉકેલ
નથી, જે રીતે અને જે સ્તરે ખાનાખરાબી થઇ છે તેના
કારણે આ રાજ્યોને ઊભા થતાં ઘણો સમય લાગવાનો છે એટલે ખરેખર તો વિશેષ રાહત પેકેજ આપવાની
જરૂર છે. ખાસ તો પીડિત પરિવારોને સીધી નાણાકીય ફાળવણી થાય તો વધુ ઝડપભેર બેઠા થઇ શકે.
આવા મુશ્કેલ સમયે કેન્દ્ર અને રાજ્યોએ પક્ષાપક્ષી અને રાજનીતિ ભૂલીને એકસૂરે કામ કરવું
જોઇએ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમન્વય ગોઠવી જેટલી ઝડપે રાહતકાર્યો ઇમાનદારી સાથે
થશે એટલી લોકોને રાહત થશે એમાં બે મત નથી.