• શુક્રવાર, 05 સપ્ટેમ્બર, 2025

હેલ્મેટ કાયદાનું યુ.પી. મોડેલ

દ્વિચક્રી વાહનના ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું આઠમી સપ્ટેમ્બરથી ફરજિયાત થશે. ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ તેનો ચુસ્ત અમલ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. સામે પ્રજામાં તેના માટે અસંતોષ અને વિરોધ છે જ. વિવિધ પ્રકારે આ લાગણી અત્યારે ધીમા સાદે વ્યક્ત થઈ રહી છે. ભવિષ્યમાં ઘર્ષણ થશે તે દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારે હેલ્મેટ નહીં તો પેટ્રોલ નહીંનું અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ સરકાર કાનૂનનું પાલન કરાવે તે સમજી શકાય તે સરકારનો સ્વધર્મ છે, પરંતુ આ રીતે લોકોની સવલત છીનવીને તે કરાવી શકાય કે નહીં, ઉત્તરપ્રદેશ સરકારનું આ અભિયાન 1 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, લોકો તેનું કેવું પાલન કરે છે તે જોવાનું રહે છે તેના અહેવાલો પણ આવી રહ્યા છે. હેલ્મેટનો કાયદો લોકોની સુરક્ષા માટે છે, તેવું દરેક સરકાર કહે છે. રસ્તા ઉપર થતા અકસ્માતો પૈકી 30 ટકા કિસ્સામાં ભોગ દ્વિચક્રી વાહનચાલકો જ બને છે. હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું તેવું દેશની સર્વોચ્ચ અદાલત કહી ચૂકી છે. કાયદો તો અસ્તિત્વમાં છે જ. સવાલ તેના અમલનો છે. ચંડિગઢ, દિલ્હી જેવા મહાનગરોમાં આ કાયદાનો અમલ વર્ષોથી થાય છે, પરંતુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં સરકારો આવે અને જાય, પોલીસ પ્રશાસન ઊંધા માથે થાય તો પણ સ્થિતિ બદલાતી નથી. લોકો હેલ્મેટ ન પહેરે તો દંડ વસૂલવાને બદલે તેમને પેટ્રોલ ન આપવું તેવો રસ્તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે અપનાવ્યો છે. પ્રજા આ નિયમનું પાલન કરે તેવી શક્યતા ઓછી છે. ક્યારેક કોઈને તાત્કાલિક ધોરણે પેટ્રોલ જોઈતું હોય, ક્યારેક કોઈ અન્ય કારણે હેલ્મેટ ન હોય એટલે હેલ્મેટ ઈરાદાપૂર્વક નથી પહેરી તેવું સાબિત થઈ શકે નહીં. આ નિયમ પાછળ સરકારનો ઈરાદો તો હેલ્મેટ માટેની જાગૃતિ વધે તે જ છે. દંડ વસૂલવાથી સમસ્યા ઉકેલાતી નથી તે પણ વાસ્તવ છે, પરંતુ આ ઉકેલ કેટલો કારગત નીવડે તે પ્રશ્ન છે. ગુજરાતમાં પણ તૈયારી શરૂ થઈ છે. સૌપ્રથમ પોલીસ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાઈ છે, પરંતુ હજી સુધી બધા જ પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેરતા હોય તેવું નથી. પોલીસે વકીલો સહિતના વિવિધ વ્યવસાયીઓને હેલ્મેટ આપી હતી, હેલ્મેટ જાગૃતિ માટે રેલીનું પણ આયોજન કર્યું હતું.  જો કે, યુપીમાં જેમ `નો હેલ્મેટ નો પેટ્રોલ' સરકાર કરવા જઈ રહી છે, તેમ ગુજરાતમાં `નો રોડ, નો ટોલ'ના નારા પણ ગૂંજે છે. પ્રજાની દલીલ એ છે કે, શહેરી વિસ્તારમાં રસ્તા જ એવા સારા નથી કે વાહન ગતિથી ચાલી શકે. પહેલાં રસ્તા સારા બને પછી સરકારે હેલ્મેટ માટે કહેવું જોઈએ. અહીં જો કે, પેટ્રોલ નહીં મળે તેવું સરકાર પણ હજી તો કહેતી નથી. પોલીસ રોકે સમય બગડે, દંડનો ડર વગેરે કારણે કેટલાક લોકો હેલ્મેટ માથાં ઉપર ગ્રહણ કરશે, પરંતુ વિરોધ તો છે અને રહેશે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે હજી પુન:વિચાર જરૂરી છે. ગુજરાતમાં ભૂતકાળમાં ઘણી વખત હેલ્મેટ ઝુંબેશ યોજાઇ છે પણ તે કારગત નીવડી નથી. લોકોનો વિરોધ, તંત્રનો કડકાઇ વગરનો અભિગમ જેવા કારણોસર જોરશોરથી શરૂ થયેલી ઝુંબેશ ઠંડી પડી જાય છે અને લોકો ફરી હેલ્મેટ ઘેર રાખી દેવા લાગે છે, તેથી સરકારે પણ લોકોનો સાથ-સહકાર મેળવી અમલ કરાવવાનાં પગલાં લેવાં પડશે, તેના બદલે ઉત્તરપ્રદેશનું મોડેલ ઘણું આવકાર્ય અને વ્યવહારુ લાગી રહ્યું છે. 

Panchang

dd